Friday, 28 August 2015

ઝવેરચંદ મેઘાણી – કહેણી, કાવ્ય ને કંઠનો વાણિયો વેપારી


‘ પાંચાળનું ધાવણ ’, ‘ પહાડનું બાળક ’ , ‘ લાઇન બોય ’, ‘વિલાપી ’ , ‘ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તેવા રાષ્ટ્રીય શાયર ’ , ‘ભેદની ભીંત્યુંને ભાંગનાર ’ , એવા ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ચોટીલા. જન્મ વર્ષ: તા. ૨૮ ઓગષ્ટ ૧૮૯૬. શ્રાવણ વદ પાંચમ: નાગ પાંચમ. માતા ધોળીબાઈ અને પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી. દશા શ્રીમાળી જૈન વણિક કુટુંબમાં જન્મ. મેઘાણી કુટુંબ મૂળ રહેવાસી બગસરાનું. પિતાની બ્રિટીશ કાઠીયાવાડ એજન્સી પોલીસમાં નોકરી. ભણવામાં પહેલો નંબર, શરમાળ, ઓછા-બોલો કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. પિતાની થાણે થાણે થતી બદલીઓના કારણે ઝવેરચંદ મેઘાણીએ બાળપણમાં જ ગામે ગામના પાણી પીધેલા અને તેને કારણે જ કાઠીયાવાડની જૂની વિરજાતીઓનાં રીત-રિવાજોની ખાસિયતો, ખૂબીઓ વગેરે માહિતી, ચારણો પાસેથી સાંભળેલી વાતો, હૂહૂ ! હૂહૂ ! ભૂતનાદ કરતા પવનના સુસવાટા, ઘરડા ખેડું દુહાગીરોના દુહાસંગ્રામ, ફાગણી પૂનમની હુતાશાણીના ભડકા ફરતા જુવાનો – વિગેરે દ્વારા ભિન્ન ભિન્ન જાતના સાહિત્યના પ્રવાહના  સંસ્કાર પડ્યા. મેઘાણીના આ પ્રવાહને કળનાર હડાળાનાં દરબાર વાજસુર વાળા. કથાવાર્તાના કોઠા સામતભાઈ ગઢવીને યાદ કરી કરીને વાજસુર વાળા પોતાની શાંત શૈલીમાં માંગડા ભૂતની, ચાંપરાજવાળાની વાર્તા કહે. દુહા ટાંકતા જાય, કલાપીની ઘણી અપ્રગટ રચનાઓ સંભારે. એમની પ્રેરણા પછી જુના સોરઠીકાળને પ્રેમપૂર્વક તપાસવાની સાથે ઓળખવાની પ્યાસ મેઘાણીભાઈને સતાવી રહી...પૈસાથી નહિ પણ અભિરુચિ વડે, રસદ્રષ્ટિ વડે... આ એમની લોકસાહિત્યની દિક્ષા. લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી....એ મેઘાણીના લોકગીતપ્રેમી પ્રાણની જનેતા. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતા એ ગીતો માંહેલુ ‘ વહુવે વગોવ્યા મોટાં ખોરડાં ’આજે પણ ઘેર ઘેર જાણીતું છે. મેઘાણીના માતા પણ મધુર કંઠથી રાસડા ગાતા.
૧૯૧૬માં અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ સાથે બી.એ.થયા. અભ્યાસ દરમિયાન લોકસાહિત્યનો ખ્યાલ નહોતો. પણ નન્હાલાલ અને કલાપીના સાહિત્યે તેમનામાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કલાપીના કાવ્યો એવી દર્દભરી રીતે ગાય કે સૌના હૃદય સાથે સુક્ષ્મ સંબંધો બંધાતા ! વાતાવરણમાં મોહક કરુણતા પ્રસરતી. ગીત પૂરું થતાં સૌ એકાદ મિનીટ નિ:શબ્દ બેસી રહેતા.. મિત્રો એમને ‘ વિલાપી ’ કહેતા. ૧૯૧૭માં કલકત્તા અલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે અઢી-ત્રણ વર્ષ ખુબ જ સંતોષકારક કામ કર્યું એ દરમિયાન વિલાયતનો પ્રવાસ પણ કર્યો. કલકત્તામાં રહી બંકિમચંદ્રની નવલકથાઓ, દ્વિજેન્દ્ર રામના નાટકો, રવિબાબુ વગેરેનું વાંચન કરતા બંગાળી ભાષા શીખ્યા. નોકરી ખુબ સારી અને ભવિષ્યમાં  મોટો ફાયદો આપે તેવી હતી. પણ સ્વભાવે સાહિત્યરસિકના કારણે કોણ જાણે કેમ કાઠીયાવાડની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ જાણે તેઓને બોલાવતી હોય તેમ તેઓ કલકત્તાથી પાછા ફર્યા. કાઠીયાવાડમાં દિશા શુન્ય હતા. બે ત્રણ લેખો કોઇપણ ઉદ્દેશ વગર ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં લખી મોકલ્યા. અમૃતલાલ શેઠનું ધ્યાન ખેચાયું તેમને છાપાની પ્રવૃતિઓની સાથોસાથ સાહિત્ય પ્રવૃત્તિ ખોલવી હતી. એનું પ્રથમ ફૂલ ‘ કુરબાનીની કથાઓ.’ લોકસાહિત્યના શ્રી ગણેશ થોડા સમય બાદ ‘સૌરાષ્ટ્રની રસધારા’ થી થયા.
૧૯૨૨માં તેઓ ‘ સૌરાષ્ટ્ર ’ માં પત્રકાર તરીકે જોડાયા. પણ આ તો સાહિત્યરસના માણસ..એટલે પત્રકારત્વ વેરણ લાગ્યું. ચોથા વર્ષે ‘ સૌરાષ્ટ્ર ’ ના પત્ર સંપાદનમાંથી મુક્તિ. ‘ ફૂલછાબ ’ જોડાયા, પણ ‘ ફૂલછાબ ’ ને સૌરાષ્ટ્રનાં રજરંગોમાં ઝબકોળવાનું શરુ થતાં તેમાંથી તે ખસી ગયા. મુંબઈ આવી સિનેમાના ધંધામાં ઉતારવાનું વિચાર્યું. તે દરમિયાન અમૃતલાલ શેઠના ‘ જન્મભૂમી ’ના દૈનિક સંપાદનમાં જોડાયા. તેઓ લખે છે: “ તેમણે મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય ખૂણો પકડવાની અનુકૂળતા કરી આપી.”
સાહિત્યને સંપાદન કરવું એટલે તો લંકાથી હેમ લાવવા જેવું કઠણ છે. એવા દોયલા કામને મેઘાણીએ સોયલું કેમ કરેલું! દિવસના દિવસો, રાતોની રાતો ચારણો સાથે એ વસેલા. ચારણી સાહિત્યના કેટલાક શબ્દાર્થો ચારણ કવિઓ અને વૃદ્ધો પણ ન સમજતા; એના સાચા અર્થ મેઘાણીએ કરેલા છે. હજુ સુધી ચારણી વાર્તા અન્ય કવિઓ માંડી શકતા નથી એવી રીતે એ વાર્તા માંડી શકતા હતા. રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલનમાં બધાના આગ્રહથી મેઘાણીએ  મારવાડી ગીતથી શરુ કર્યું. બરાબર પોણા બે કલાક કોઈએ હોકાની ઘૂંટ ન ખેચી. હોકા ઓલવાઈ ગયા. મોવાળો ફરકે તોયે રસભંગ થાય એવી તન્મયતાથી સૌ સાંભળી રહેલા. લીંબડી કવિરાજશ્રી શંકરદાનજી તો ઉભા થઇ એમને ભેટી મનનો પોરસ ઠાલવતાં બોલી ઉઠે છે : ‘ કળજગ ! બાપ, કળજગ ! અમે બે હજાર સરસ્વતીપુત્રો અહીં બેઠા છીયે, ને તું વાણીયાનો દીકરો બબ્બે કલાક સુધી અમારી જ મહુવરના નાદે અમને ડોલાવ્યા કર છ. એને કલજગ નંઇ તો બીજું શું વદું? રંગ છે , તને – મેઘાણી ! ‘
મેઘાણીએ કહ્યું કે “ મુરબ્બી! આ તો આપનું જ છે. હું તો ચારણોનો ટપાલી છું; બધે પહોચાડું છું.”
તેઓ કોઇ પર પોતાના પૂર્વગ્રહો થોપતા નહીં કે મુરબ્બીવટ દાખવતા નહીં બલકે વડીલમિત્રની માફક ગોઠડી કરતા.
કવિ કાગ લખે છે કે:           સુતા જઈ સ્મશાનમાં એની તેઁ સોડ્યું તાણી;
                     વેધુ જીવાડયા વાણીયા, તે કંઈક મડદાં મેઘાણી!
એમણે કબર ખોદી કાઢીને મૈયાતોને ઉઠાડ્યા અને જીવાડયા. મસાણોમાં મુડદાંએ હોંકારા દીધા. સ્મશાનમાં જઈને પોકારે કે ‘ ભારત માતાની...તો જવાબ આપવા મૃતદેહો પણ ઉભા થઇ જતા. પ્રેતોને એમણે કપડાં પહેરાવ્યા. એ પ્રેત નથી, નીચા નથી, લુચ્ચાં ને હરામખોર નથી, એમ સાબિત કરી જગતના ચોકમાં ઉભા રાખ્યા.
ગોપીનાથથી થી તુલસીશ્યામનો રસ્તો...દરિયાકાંઠાના ગામડા..મહુવા બંદર..ત્યાં એક સિત્તેરેક વર્ષના ડોશી પાકલ ઇંટો વાહનમાં ચડાવે. તેમની સાથે વાતચીત કરતાં ડોશીમાએ જણાવ્યું કે મારો એકનો એક દિકરો મહુવાના વેપારીનું વહાણ લઇ જતાં બે’ક મહિના અગાઉ વહાણ બૂડી ગયાથી મરેલો. મેઘાણીભાઈએ પૂછ્યું કે “તમે તમારી આજીવિકા માટે  શેઠ પાસે કેમ ન ગયાં ? ”
ડોશીમાએ કહ્યું “ ભાઈ ! ” મારું તો કાળું મોઢું થયું. શેઠનું વહાણ મારા દીકરાને હાથે બુડ્યું. હવે શુ મોઢું લઈને એની પાસે માગવાં જાઉં !” ડોશીમાના આ શબ્દો સાંભળતાં મેઘનીભાઈ છાતી પકડીને બેસીને રોયા. બોલ્યા કે દુલાભાઈ !. આ મચ્છીમાર કોળી ને પેલા વૈષ્ણવ વાણિયા- બેમાં કોણ ખાનદાન !”.
દુલાભાઈ સાક્ષી અને તેમની સગી આંખે દેખેલ અને ખુમારીનું શિક્ષણ આપતી ચારણ કન્યાની વાત... “ તુલશીશ્યામથી બે ગાઉ ખજુરીનો નેસ...એક ચારણબાઈ - હીરબાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી..મરેલી વોડકી પર ચડીને હીરબાઈ એ વખતે સાવજ સામે સોટો વીંઝતી હતી...સાવજ બે પગે સામો થઇ હોકારા કરતો હતો...બાઈએ વોડકી ખાવાના દીધી..એ વખતે    ‘ ચારણ- કન્યા ’ ગીત મેઘાણીભાઈ કાગળ- કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા..અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
‘શિવાજીનું હાલરડું’ તેમણે ‘આજ’ ની નિશ્ચિતતા સામે ‘કાલ’ની અનિશ્ચિતતા તોળી તોળીને કાવ્યક્ષણને સર્જનાત્મક ભાવમાં રુપાંતરિત કરી છે.
                          ” આજ માતા ચોડે ચૂમિયું રે બાળા જિલજે બેવડ ગાલ
                            કાલે તારાં મોઢડાં માથે ધુંવાધાર તોપ મંડાશે...શિવાજી.”
બાળકાવ્ય ચારણ કન્યા... અને શિવાજીનું હાલરડું... મેઘાણીના આવાં કાવ્યો ભણતરમાં આવે તો ભય ગ્રંથિઓ તૂટે.
‘ ચારણકુલ મારું તીર્થ છે.’ તે દ્વારા તેમણે ચારણ અને ચારણી સાહિત્યનો મહિમા દર્શાવ્યો છે.
ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તાવારીખોની જોડે બેસે તેવી ઘટનાઓ આ સૌરાષ્ટ્રની ભૂમિ પર બનેલ છે; અને તેટલા માટે તેઓ શાળા કોલેજના અભ્યાસક્રમોમાં આ પ્રતાપી ભૂતકાળને સ્થાન અપાવવા માંગતા હતા. સૌરાષ્ટ્રના ગત ગૌરવને હંમેશને માટે લિપિબદ્ધ કરી નવીન સૌરાષ્ટ્રને પોતાની વાર્તા-નવલકથા દ્વારા એના ચહેરાનું દર્શન કરાવ્યું.
ટેનીસનનું લખેલું રણ-ગીત: ’ ચાર્જ ઓફ ધ લાઈટ બ્રિગેડ’. રશિયાની ધુંવાધાર તોપો સામે ! અંગ્રેજોના છસો વીર ઉઘાડી તલવારે દોડ્યા. તોપોના ગોળાના વરસાદ વચ્ચે છસોય વીર વીંધાઈ ગયા. બ્રિટનના બાળકો એ ગીતમાંથી બલિદાન મંત્રો રટે છે. આજ ઘટના ભાવનગરમાં બની. છસો નહિ, અરે છયે નહિ પણ એક વીર:જાદવ ડાંગર. એકલે હાથે દોડીને એણે કાઠીઓની તોપોના કાં બુરી દીધા..કોઈ ગુર્જર ટેનીસન પ્રગટ થશે ત્યારે જાદવ ડાંગરના નામનું પણ એક રણ-ગીત આપણી શાળાઓમાં ગાજવા લાગશે.
ગ્રીસનો બળવાન બાંધવ પ્રોમીથિયસ સ્વર્ગનો અગ્નિ લાવી માનવીઓને પોતાના રક્ષાણાર્થે અગ્નિ વડે અસ્ત્રોશસ્ત્રો બનાવતા શીખવ્યું. પાછળથી અમરરાજે પોતાનું સિંહાસન ડોલતું દેખાતા પ્રોમીથિયસને બંદી બનાવી પહાડ ગુફાઓમાં વસતા ગરુડો-ગીધોને તેનું માંસ ખાવા દીધું પણ તેણે વેદનાના ચિત્કાર કરીને પોતાનો માનવ પ્રતાપ લજવા ન દીધો. આવો જ સોરઠી માનવ માણશિયાવાળો...પિતરાઈઓના પાપે કોઠામાં પુરાયેલ એણે સ્વ-હસ્તે પોતાના સાથળ કાપીને સમળીઓને ઉજાણી કરાવી દેહ પાડી દીધો...
મેઘાણીભાઈ સીતા અને સાવિત્રીના સતીત્વને તો સીધાં અને સુગમ્ય કહે છે. પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઈ નેસડીનું, દાંત પાડી નાખનાર કાઠીપાણીનું અને નાગજણ ચારણની સ્ત્રી (મરશિયાની મોજ) નું સમસ્યાભર્યું ને જટિલ સતીત્વ: એનો તાપ આપણાથી ઝીલાતો નથી- મતિને મુંઝવી નાથે છે અને તેથી જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઈએ છે.
માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિધ્ધાંત પર બાર બાર વીરોનું નિરાભિમાની બલિદાન : ‘અણનમ માથાં’ – પાતશાહી ફોજની ગલોલીઓ છુટી...ઢાલોને વીંધીં સીસાં સોંસરવા ગયાં. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુધ્ધમાંથી બહાર નીકળ્યા...કોઇ એક પગે ઠેકતો...કોઇ આંતરડા ઉપાડતો...કોઇ ધડ હાથમાં માથું લઇને... એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા...પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો : “ ભાઇબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”સહુ બેઠા... લોહીનો ગારો કરીને સહુએ અક્કેક-બબ્બે પિંડ વાળ્યા...ઓતરાદાં ઓશીકા કર્યા... અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા... અને બારમો - એક બાકી રહેલ મિત્ર કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે... આ બનાવ મેઘાણીભાઈના સાહિત્ય સિવાય દુનિયામાં હજું શોધાયેલ નથી.
મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં જવાના હતા તેના એક કલાક પહેલા ‘ છેલ્લો કટોરો ’ રચી દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોધ્યું કે: “ આ કવિતા તો મારા મનનનાં જ વિચારો   છે, તે મારા હૃદય સોસરવી ઉતારી ગઈ છે.” તરત જ ગાંધીજી એ તેમણે ‘ રાષ્ટ્રીય શાયર ’ તરીકે ઓળખાવ્યા.  ‘ રસધાર’ ની ‘ભાઇ’, ‘ચમારના બોલે’, તથા ‘કાનિયો જાંપડો ’ વાર્તાને આ દ્રષ્ટિબિંદુથી મૂલવી શકાય. દુષ્કાળ ટાણે સગો ભાઇ ફરી જતાં જોગડા હરિજને આયરાણીને મદદ કરી. જોગડાના મ્રુત્યુ ટાણે બાઇએ આકાશને રોવરાવ્યું!
                        ” નાતે કાંઇ નેડો નહીં, તું વણકર ને હું વણાર !
                     તારી જાત ન જોઉં જોગડા તારા ગણને રોઉં ગજમાર. ”
ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તે ‘ રાષ્ટ્રીય શાયર ’. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીયે તો..
                                હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી,
                                મનડાની આખરી ઉમેદ.
આ જે ખોટી દીવાલ ઊભી કરી છે તે દીવાલને મારે તોડી નાખવી છે. આ બન્યુ ત્યારે મહાત્મા ગાંધી નહોતા જ્ન્મ્યા.
પણ ત્યાંથી ખાલી હાથે પાછા આવ્યા ત્યારે તેમણે ‘ માતા તારો બેટડો આવે ’ લખેલું તે એટલું જાણીતું નથી, પણ સચોટતાની દ્રષ્ટિએ સ્મરવા સમું છે.
‘ ધાઓ ધાઓ, ધેનુપાળ ! ’ એવા તે દી ઉઠશે રે હાહાકાર,
શાદુલાને સાંઢ માતેલા ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા.
દેશદાઝને જાગ્રૂત કરતું અને દેશલાજને નાબૂત કરતું ‘ કસુંબીનો રંગ ’ અને તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વસ્તલતા ભરી ! દેશભરમાં આ ગીત દ્વારા મેઘાણીએ ગાંધીજીની ‘ અહિંસા અને સહકારની ’ અખંડિડતા રજુ કરી છે.  સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વિરતા હતી.
ઉમાશંકર જોશી લખે છે. “ મેઘાણીની પ્રતિભા મૌલિક (original) નહીં પણ ઇતરોત્થ (Derivative)  હોવી જોઇયે.”
માડી! હું તો બાર બાર વરસે આવિયો, માડી! મેં તો નો દીઠી મારી પાતળી પરમાર્ય,
રે જાડેજી મા ! મોલું માં દીવો શગ બળે રે !
એ વેદનાગાન મેઘાણીના મેઘનાદી ગળામાંથી ઘૂંટાઇને ગગનમાં છવાય ત્યારે ઓરત – મરદ સૌની આંખો ચૂતી હોય. ડળક... ડળક... ડળક...પાણી પડતાં હોય!
મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણ પ્રધાન નવલકથા: સોરઠ તારા વહેતા પાણી:  ‘ નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જન સમાજ છે.
ગુજરાતના ખેડા જીલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયાઓના જીવન પર આધારિત ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ અને તેમના મુખેથી સાંભળીને આલેખાયેલુ : ‘ માણસાઈના દીવા ’. ૧૯૪૬માં તેમના આ પુસ્તકને મહીડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાત સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ નીમવામાં આવ્યા હતા.
લોકગીતો, લોક-સુરો અને લોક-ઢાળોએ મેઘાણીની કાવ્ય પ્રવૃતિને વેગ આપ્યો. સોરઠી ગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો કાવ્યસંગ્રહ: ‘ યુગવંદના કુલ પાંચ ખંડમાં વહેચાયેલો આ સંગ્રહ ‘ છેલ્લો કટોરો ’, કસુંબીનો રંગ ’ , ‘ સૂના સમદરની પાળે ’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘ સુના સમદરની પાળે ’ માં લોકગીતનો લય સર્જક કક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે.
                       નો’તી એની પાસ કો માડી, રે નો’તી એની પાસ કો બેની:
             વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઇ ત્યાં નો’તી રે, સૂના સમદરની પાળે..
મુંબઇના કોઇ એક સાક્ષરે કાઠિયાવાડ – ગુજરાતની ભુમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું કશું રહ્યું નથી એટલે તેની શોધમાં કાશ્મીર જવું પડે છે તેવો નિ:શ્વાસ નાખેલો...આ મહેણું પુરવા અને કાઠિયાવાડ – ગુજરાતની પિછાન આપવાનો મેઘાણીભાઇનો પ્રયાસ એટલે ‘ સૌરાષ્ટ્રની રસધાર ’તેમાં સોરઠી જનસમુદાયનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી વાર્તાઓનું સંપાદન છે.
ગાંધીજી કે ભગતસિંહની લડતને બિરદાવનાર મેઘાણીની કલમ સરકારના ચોપડે હરામખોર ગણાતા, બ્રિટિશ ઈતિહાસે ડાકુ અને ગુંડા સાથે જેમને બેસાડેલા તેવાં લુટારાઓની જવામર્દી અને હત્યારાઓની નેકીને વર્ણવતી ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ ‘ દરિયાપારના બહારવટિયા ’ છે. એ એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ ધ આઉટલોઝ ઓફ મોર્ડન ડેઝ ’ની સત્યઘટનાની વાર્તા પરથી છે.
‘ વેવિશાળ ’ ધનિક બની ગયેલ કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઉભી થતી સમસ્યાની સામાજીક નવલકથા છે.
૧૯૨૮માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ મેળવનાર તેઓ પહેલા હતા. તે વેળાએ તેમણે કહ્યું કે “ અભ્યાસીઓને ગૌરવદાન કરવાનું ગુજરાત પાસે જે એક જ માન છે તે રણજીતરામ સુવર્ણચંદ્રકનું પહેલું દાન લોકસાહિત્યના ખેડાણને થયું.”
અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કર્યા ત્યારે કોર્ટની અનુમતિ મેળવીને ‘ સિંધુડો ’ માંનું દર્દભર્યું ગીત ‘ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ’ એમણે ધીરગંભીર અવાજે ગાયું...અને ઉપસ્થિત સેંકડો માનવમેદની ભીની થયેલ આંખો રુમાલ, પહેરણની ચાળો અને સાલુના પાલવો નીચે છુપાઇ તથા મેજીસ્ટ્રેટની આંખો પણ આંસુભીની થઇ હતી.
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ, સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ !
પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું,  બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું..
 
‘ કોઈનો લાડકવાયો ’ એ ‘ Marie Ravenal de la Coste ’ ના કાવ્ય ‘ Somebody’s Darling ની કૃતિ છે. મેઘાણીભાઇનું લાડકવાયું ગીત...
                             કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
                           શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
                             મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી.
‘ રઢિયાળી રાત ’ સમાજ માટે પોતીકાંનો ભોગ આપવો પડે એવી બલિદાનની ભાવનાનું ગીત....’ બારબાર વરસે નવાણ ગળાવ્યાં...’, અને બહેન ભાઇને ઓળખે છે ત્યારે... ” ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંને અણસાર, બાપની બોલાશે વીરને ઓળખ્યો રે.... તેમની વાર્તા અને ગીતો હૈયું પખાળે છે.
દરિયો ડહોળી - સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી ભેગા કરેલ લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય રાખી શિષ્ટભોગ્ય રૂપમાં આપણી પાસે મુકી એમાંથી જીવનના કેટલાક મુલ્યો, જીવનના કેટલાક કેડા, જીવનના કેટલાક પ્રકાશસ્થંભો એમણે આપણી પાસે ખડા કર્યા છે. આનાં અજવાળાઓમાં સૌરાષ્ટ્ર અને કાંઈક અંશે ગુજરાત પણ, ખાનાદાનીભરી એકતાના અમીઘૂંટ પી શક્યું.  
તેમના ગીતો-વાર્તાઓમાં ‘હું’ બદલે ‘ અમે ’શબ્દ વધારે જોવા મળે છે.’ સાહિત્યકારની તપશ્રર્યાને એમણે ધુળમાં મેળવનાર – ધુળવાળા થવાની ગણાવી. એક સાહિત્યકાર, વક્તા, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વતંત્ર સેનાની અને ગાયક તરીકે તેમનું વિશિષ્ટ પ્રદાન ક્યારેય વિસરાશે નહી.  ગુજરાતી ભાષા – સાહિત્યના જાડ માથે કવિઓના જે ઝમખડા છે, એ ઝમખડામાં એક રાતું ફૂલ મેઘાણી છે. આંતરબાહ્ય ઝંઝાવાતો વચ્ચે ભીતરના અતાશને એ જાળવી શક્યા – જીરવી શક્યા. જાહેરજીવનમાં ખોટી બાંધછોડ કર્યા વગર પોતાને સમજાયેલ સત્યને વળગીને અણનમ ઉભા રહ્યા. ધરતીના માણસો વચ્ચે એમની લાલસા હતી તે રીતે, સામાન્ય માણસ તરીકે જીવી ગયા – અને ?- અસામાન્ય મધુરપ રેલાવી ગયા. કાકાસાહેબ કાલેલકરે મેઘાણીભાઇને શ્રદ્ધાજંલિ આપતા કીધું હતુ કે “ઝવેરચંદ મેઘાણી વધારે જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા કરત. ઘણું જીવવાનો એમનો અધિકાર હતો.”  સ્વામી આનંદની વ્યથા: “ગુજરાત ખરેખર રાંકડી : રતન એને રહ્યુ નહિ .”
મોરબીના કવિ રતનદાન મીસણને કેવાં રુપક સૂઝે છે ! દેવલોકની સભામાં ચર્ચાયું થાય છે કે ગાંધર્વ આદિનાં સંગીત રોજ સાંભળીએ છીએ, પણ હવે કોઇ મરતલોકના કવિ તેડાવીયે. દૂત તેડું લઇને જાય છે:
હાલો કવિ હરિ પાસે, એમ કહેવા આવ્યો કાળ,
ફરમાન ઇંદરનું આપિયું, વાંચ્યું શાયર વા’લે.   

સતીષ શામળદાન ચારણ
(મો.) 94282 19031
sscharan_aaa@yahoo.co.in           

             

No comments:

Post a Comment