Friday, 28 August 2015

‘મંદિરો ચણવા’ અને ‘મંદિર બની જવું’ ( ' અખંડાનંદ ' મેગેજીન ડિસેમ્બર- 2015ના અંકમાં પ્રકાશિત થયેલ છે.)કન્નડ સંત વસવન્નાએ વીરશૈવ સંપ્રદાયને નવું જીવન આપ્યું. વીરશૈવ સંતોની વાણીને કન્નડ ભાષામાં ‘વચન’ કહે છે. આ વાણી સંતોના નિર્મળ હૃદયમાંથી સીધી જ ઉઠે છે અને અન્ય હૃદયો સાથે તાલ મિલાવે છે. લગભગ દસમાં સૈકાથી જ દક્ષીણમાં મહાલય જેવા ગગનચુંબી મંદિરો બાંધવા લાગ્યા હતા. ધનિકો તરફથી પુષ્કળ દ્રવ્ય દાનમાં મળતું હતું. માનવમાં રહેલ અંતર્યામી દેવતા દબાઈ ગયો અને અલંકારોથી ઝળહળતી રત્નજડિત પત્થરોની મૂર્તિઓ પૂજાવા લાગી હતી. તે વખતે સંત વસવન્નાનું એક જ વચન કે જેમાં કબીરની નોબત અને મીરાની બંસીનો સુર સંભળાય છે:
ધનવાનો
શિવ માટે મંદિરો ચણશે
હું શું કરીશ, એક ગરીબ માણસ?
મારા પગ સ્તંભ છે.
શરીર છે મંદિર
અને મસ્તક છે
સોનાનો કળશ
હે સંગમેશ્વર, સાંભળો!
સ્થિર ઉભેલી વસ્તુઓ પડી જશે,
પણ ચાલતી સદાયે સ્થિર રહેશે.
જે ચાલે છે, સદા ગતિમાન છે, શિવત્વથી ધબકતું છે તેનો કદી નાશ નથી. ઉપનિષદોનો એક મંત્ર છે: ’ગુહાયાં નિહિતો’ - ગુહામાં રહેલો આત્મા. એની ઉપાસના કરવાને બદલે આપણે પાષાણની, પ્રતીકની પૂજા કરતા થઈ જઈએ છીએ, ત્યારે તેની સાથે આપણી જાત પણ પ્રાણને ગુમાવી પાષાણ જેવી બની જાય છે. શરીર જ જીવતું મંદિર છે. જ્યાં જ્યાં પગ પડે છે ત્યાં પવિત્રતાનો પગ-સ્તંભ રોપાય છે...ધરતીની ધૂળને ધન્ય કરે છે. આવી રીતે ચાલતા ચરણો અને ચમકતા ચિત્ત કરતા બીજું કયું મંદિર શિવનું દર્શન કરાવશે? ગાંધીબાપુએ ઈશ્વરનું વર્ણન કરતા ‘દીન ભંગી તણી કુટિયા મહીં’ કહ્યું છે.
સંત વસવન્ના બીજા એક વચનમાં કહે છે:
‘વૃક્ષનું મુખ છે તેનું મૂળ, ત્યાં પાણી સીંચો, તેને તળિયે અને જુઓ, મથાળે ફૂટશે લીલો અંકુર.
ભગવાનનું મુખ છે આ હરતા-ફરતા મનુષ્યો,
તેમને તૃપ્ત કરો, ભગવાન તમને પોતાનું સર્વસ્વ આપી દેશે.’
વળી, આત્મા સુક્ષ્મથીયે સુક્ષ્મ અને મહાનથીયે મહાન છે. તેના વિષે વધારે સ્પષ્ટપણે કહેતા ઉપનિષદ અંગુલીનિર્દેશ કરે છે: ‘સર્વ ભૂત ગુહાશય:’- સર્વ પ્રાણીઓના અંતરમાં એ રહ્યો છે અને છતાં તે ‘સર્વગત: શિવ:’ સર્વવ્યાપી શિવ છે. ચાણક્યે કીધું છે કે: ઈશ્વર લાકડામાં, માટીમાં કે મૂર્તિમાં નથી. તે તો ફક્ત ભાવનામાં જ રહે છે.
અલ્લામા એક ‘વચન’ માં કહે છે:‘             જરા જુઓ તો!
આ પગ છે બે પૈડાં અને શરીર છે ગાડું
તેમાં પાર વિનાની ચીજો ભરી છે.
પાંચ જણ જોતરાઈને આ ગાડાને ખેંચી રહ્યા છે,
અને તેમાંથી એકેય બીજાને મળતો આવતો નથી.
તમે જો આ ગાડા પર ચડી રાશ હાથમાં નહિ લો,
તો ધરી જ ભાંગી પડશે, ઓ ગુહેશ્વર!’
અલ્લામાને માથે તેમની પત્ની કામલતાના થોડા દિવસના તાવમાં મૃત્યુ થતાં વજ્રઘાત થયો, દિશાઓ શૂન્ય બની ગઈ. ‘કામલતા! કામલતા!’ એવી ચીસો પાડતા ભટકવા લાગ્યા. લોકોએ તેમણે પાગલ ગણી કાઢ્યા. અલ્લામાને ભારે મારતી, ચોતરફ ઘુમાવતી અને ભાંગેલા કાળજાને આરે લઇ મુકતી કઈ વસ્તુ હતી? એ હતી ભગ્ન કામનાના વેરણ છેરણ ટુકડા અને સાથે જોતરાયેલ પણ જુદી જુદી દિશામાં ઢસડી જતી ઇન્દ્રિયો... આપણા શરીરને પણ આવી, રખડું બળદ જેવી ઇન્દ્રિઓ તથા ગમાર ગાડાખેડું જેવું મન ભેળા મળીને ભેખડે નથી ભરવી દેતા? તો હવે આપણે ગુહેશ્વરને ગાડું હાથમાં લેવાની વિનવણી કરીએ. આપણી હદયગુહામાં બેઠા છે એ કોઈ પત્થર તો નથી તે આપણો પુકાર ન સાંભળે!
આ શરીરમાં જ આખુયે મંદિર હોય તો
જરૂર શી છે બીજું શોધવાની?
કબીરે કીધું છે: ‘ જે કાટૌં તો ડહડહી, સીંચો તો કુમિલાઈ
                ઇસ ગુણવંતી બેલીકા કુછ ગુણ કહ્યા ન જાય.’
ગોરખનાથે પણ આ જ વાત કહી છે: ‘કાટત બેલી કુંપલ મેલ્હી, સીંચતાડા કુમલાંયે’.
જો કાપો તો ફૂલેફાલે અને સીંચો તો સુકાઈ જાય. આ જીવનવેલીના ગુણ કહ્યા જાય તેમ નથી. વાસના-તૃષ્ણાના મુળિયા કાપી નાખવામાં આવે તો આપણામાંથી જ કામનામાત્રનું દહન કરતા, આત્મતૃપ્તિનો ઉઘાડ કરતો શિવ પ્રગટે છે.
ગાંધીજીને વારંવાર પૂછવામાં આવતું કે તમારો રામ કોણ છે? તો તેમણે આ જ પરમ-રમણીય સર્વાંતર્યામી આત્મારામનો નિર્દેશ કરેલો.
પિંગળશીભાઈ ગઢવીએ છાત્રવાના મુળુ આતા (મેર લોકો ચારણોને ‘આતા’ કહે છે) જેવા ખેડુની કોઠાસૂઝની સાવ સીધી ભાષામાં સંસારમાં રહીને કરવાના કામોની વાત કરી છે.  મુળુ આતા એટલે અભણ, એટલે સાદી સીધી એની વાત:   
“ દેને કુ ટુકડા ભલા, લેને કુ હરિનામ. બંને તો પાંચ માળા કરવી. સ્થિતિ પ્રમાણે હાથ લંબાવવો. કોક કહેશે કે, આપણે ગરીબ માણસ શુ કરીએ...? ભલે આપણે તળાવ ન બંધાવી શકીએ, પણ પોતાની ઝુંપડીને નેવે સીકું બાંધી ઘડાની ઠીબ મુકીને બે કળશિયા પાણી તો રેડી શકીએ ને? પંખીડા આવીને ત્યાં પાણી પીએ, ઈ આપણું તળાવ! દળણું દળીને જે સોંણ-ઝાટકણ ચપટી ચાંગળું નીકળે, તે ચકલા ચણી જાય એવે ઠેકાણે નાખીએ; ઠામ-વાસણનો એઠવાડ કૂતરાની ચાટમાં નાખીએ, એ આપનું સદાવ્રત! મોટી ધર્મશાળા ભલે બંધાવી ન શકીએ, પણ બે-ચાર ઝાડવા તો આપણે ઉછેરી શકીએ ને? એ આપણી ધર્મશાળા! – જેને દરવાજો જ નહિ. ગમે તે અને ગમે ત્યારે આવે ત્યાં પોરો ખાવા.” લાંબા હાથવાળી કોદાળી લઈને ઉપડે ખેતરે..રસ્તાના ખાડા, ખાબોચિયા, પથરા, કાંટા નડતર કરતા હોય તેને શોધી શોધીને, કોઈ મોક્ષપંથનો વાટેમાર્ગુ કામ-ક્રોધ ને ઈર્ષા-તૃષ્ણાનાં જાળાં સાફ કરતો હોય તેમ, રસ્તાને સમારતા જાય. કહે કે, “ એ મૂંગા જીવ બિચારા કોને કહેશે કે, આ વાટના ખાડાના ઓચિંતાના આંચકાથી અમારી કાંધ ભાંગી પડે છે?” પશુ પંખી સાથે એકરૂપતા, વૃક્ષ-વનસ્પતિ સાથે એકરૂપતા અને એમ કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતા.. આ છે ભારતીય ચિત્ત!
‘મંદિરો ચણવા’ અને ‘મંદિર બની જવું’- આ બે વચ્ચે કેટલો તફાવત છે.!
સતીષ શામળદાન ચારણ
(મો) ૯૪૨૮૨ ૧૯૦૩૧

sscharan_aaa@yahoo.co.in

No comments:

Post a Comment