Friday, 11 September 2015

અષ્‍ટાંગ યોગ - એક સમજ (તા.૦૯/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)


 મહર્ષિ પતંજલિએ યોગ દર્શનના પાદ-૨ના ૨૯માં સૂત્રમાં અષ્‍ટાંગ યોગની વાત કરી છે:
યમ નિયામાસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધયોડષ્ટાવડ્ગાનિ
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્‍યાહાર, ધારણા, ધ્‍યાન અને સમાધિ...આ છે અષ્‍ટાંગ યોગ-યાત્રા. યોગ સાધના માર્ગના આ આઠ માર્ગ સ્‍તંભો (mile stones) છે. યમ, નિયમ, આસન-પ્રાણાયામની વિધિ-વ્‍યવસ્‍થા શારીરિક - માનસિક સ્‍વસ્‍થતા, વ્યવહારિક જીવન અને  મનુષ્‍યના સર્વતોમુખી વિકાસ જેવી બ્રાહય સાધના માટે જરૂરી છે. પછી આંતરિક સાધનાનો ક્રમ આવે છે. પ્રત્‍યાહારથી સમાધિ સુધીની યાત્રા...આંતરિક સાધનાની યાત્રા... મનને વશ કરવાની પ્રક્રિયા...જેને ’’સંયમ’’ નામથી સંબોધી છે. યોગની સિદ્ધિ માટે આ આઠેય અંગોનું પરિશીલન અનિવાર્ય ગણવામાં આવ્યું છે.
અહિંસા સત્યાસ્તેય બ્રહ્મચર્યા પરિગ્રહાયમા: (યોગ દર્શન પાદ-૨. સુ. 30)
(પાંચ યમ : અહિંસા, સત્‍ય, અસ્‍તેય, અપરિગ્રહ અને બ્રહમચર્ય)
અહિંસા:      બીજાની પીડા, દુ:, અસુવિધા અને અગવડનો ખ્‍યાલ રહે તેનું નામ અહિંસા. ફકત  
             શબ્દાર્થથી અહિંસાનો ભાવ શોધી શકાય નહીં તેના માટે યોગીરાજ કૃષ્‍ણ ધ્‍વારા   
              અર્જુનને આપેલ વ્‍યવહારિક શિક્ષણનો આશ્રય લેવો પડે. તેમણે સમજાવ્‍યુ છે કે ’’ કષ્‍ટ  
             ન આપવા માત્રથી અહિંસા થતી નથી. દુષ્‍ટો, દુરાચારીઓ, અન્‍યાયી અને  
             અત્‍યાચારીઓ, પાપી અને પાજીને મારવા તે પણ અહિંસા છે. બીજાના દુ:ખનો વિચાર  
             આવવો અને તેનાથી કંઇ કરુણાર્દ્ર થવું તે અહિંસા.
  સત્‍ય    :     જે વસ્‍તુ જે રૂપમાં છે તેને તેજ રૂપમાં કહેવી તે સત્‍ય. સત્‍યની આ વ્‍યાખ્‍યા અપૂર્ણ અને અસમાધાનકારક છે. સત્‍યને વ્‍યાપક અર્થમાં કહેવામાં આવે તો જેનાથી હિત થાય તે સત્‍ય અને જેનાથી અહિત થાય તે અસત્‍ય છે.
અસ્‍તેય :    ’’ ચોરી ન કરવી ’’ એ અસ્‍તેયનો સંક્ષિપ્‍ત અર્થ છે. વાસ્‍તવિક અર્થમાં ’’પોતાનો વાસ્‍તવિક હક ખાવો’’ ધર્મપૂર્વક જે વસ્‍તુ જેટલા પ્રમાણમાં પોતાને મળવી જોઈએ તેને તેટલા જ પ્રમાણમાં લાવવી.
અપરિગ્રહ:   અનાવશ્‍યક છે તેવી વસ્‍તુઓનો સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. ગાંધીજી મતે અપરિગ્રહનો સંબંધ અસ્‍તેય સાથે છે. જે ચીજ ચોરીની નથી, પણ અનાવશ્યક છે તેવી વસ્‍તુનો સંગ્રહ કરવો તે ચોરીની વસ્‍તુની માફક ગણાય. ઓછામાં ઓછી જરૂરીયાતમાં જીવવું.
બ્રહમચર્ય  : વિષય માત્રનો નિરોધ એ બ્રહમચર્ય છે. દરેક ઇન્દ્રિયને તેના વિકારોથી રોકવાનો પ્રયત્‍ન કરવો. બ્રહમચર્યનું પાલન મન,વચન અને શરીરથી થવું જોઇએ. જેમની ઇન્‍દ્રિયો પોતપોતાના વિષયોમાં દોડતી ફરતી રહે છે, તેનું મન એક જગ્‍યા પર રહી શકતું નથી, ઉચ્‍ચ ઉદેશમાં રસ પણ લઇ શકતું નથી. લાંબુ જીવન, નીરોગી શરીરની પુષ્ટતા, સુડોળતા, બળ, બુધ્‍ધિ, તેજ બુધ્‍ધિની પ્રખરતા વિગેરે શારીરિક લાભોનો પાયો ઇન્‍દ્રિય સંયમ પર રહેલો છે.

શૌચસન્તોષતપ: સ્વાધ્યાયેશ્વર પ્રણિધાનાનિ નિયમા: (યોગ દર્શન પાદ-૨. સુ. 3૨)
(પાંચ નિયમ: શૌચ, સંતોષ, તપ, સ્‍વાધ્‍યાય અને ઇશ્વર પ્રણિધાન)
   શૌચ :       શરીરની બહારની અને અંદરની શુધ્‍ધિ- મનની શુધ્‍ધિ એટલે-શૌચ. જળથી શરીરને અને સત્‍યથી મનની શુધ્‍ધિ થાય છે”. હંમેશા શરીરને ખુબ ઘસીને પાણીથી સ્‍નાન કરવું જોઇએ. પેટમાં જે મળ ઉત્‍પન્‍ન થાય છે તેનો ત્‍યાગ કરવો જોઇએ. આહાર વિહાર એવા રાખવા જોઇએ કે પેટમાં કબજિયાત ન રહે અને મળ ત્‍યાગમાં મુશ્‍કેલી ન પડે.
સંતોષ    ગમે તે પરિસ્‍થિતિમાં પ્રસન્‍નતા, ખુશી, આનંદ, અપ્રમાદ એટલે સંતોષ. અવિરત પ્રયત્‍ન કરવા છતાં પણ જે મળે તેને ઇશ્વરના પ્રસાદ તરીકે સ્‍વીકારવુ તેનું નામ સંતોષ.
   તપ:         જીવનમાં નિષ્‍ફળતા- નિરાશાઓ થકી ઉત્પન્ન થતાં દુ:ખને સહન કરવું... તપવું તે તપ. તપ એટલે આપણી મહેનત દરમિયાન ઘણી બાધાઓ – પ્રતિકૂળતાઓને ઇશ્વરીય પ્રસાદ સમજી સ્વીકારવા જેટલી શારીરિક અને માનસિક ક્ષમતા કેળવવી. તપ માણસને વધુ મજબૂત અને આંતરિક શકિતઓને તેજ કરે છે
  સ્‍વાધ્‍યાય  સ્‍વાધ્‍યાયનો અર્થ છે જાતે ભણવું...પોતાના વિશે ભણવું...સ્‍વનું અધ્યયન...ચેતના માટેનું અધ્‍યયન. આપણે કોણ છીએ ? શા માટે આ દશામાં છીએ ? શો ઉદેશ્‍ય છે ? શું કરી રહયા છીએ ? શું કરવું જોઇએ ? આ પ્રશ્નોના સંબંધમાં વિવેચન એટલે સ્‍વાધ્‍યાય. લોકો સાથેના વ્‍યવહારમાં, સંસારની ગતિવિધિઓમાં, વિશ્વની સમસ્‍યાઓ પર વિચાર કરતા રહેવું જોઇએ તે પણ એક સ્‍વાધ્‍યાય છે.
ઇશ્વર પ્રણિધાન: ઇશ્વરને પૂર્ણ સમર્પિત થઇ જવું એટલે ઇશ્વર પ્રણિધાન. ઇશ્વરને ધારણ કરવા યા ઇશ્વરને સ્‍થાપિત કરવા. જે કાર્ય કરવામાં આવે છે તે ઇશ્વર નિર્મિત છે અને પોતે નિમિત્ત માત્ર છે તેમ સ્‍વીકારવું. ઈશ્વરને પોતાની તમામ સમૃદ્ધિ નું અર્પણ .
ત્રીજુ અંગ છે: આસન
 “ સ્‍થિર સુખમ્ આસનમ્’’ અર્થાત્ એકજ સ્‍થિતિમાં સુખેથી, આરામથી અને સ્‍થિરતાથી, લાંબો સમય વખત બેસી શકાય તેનું નામ આસન.
ચોથું અંગ છે: પ્રાણાયામ પ્રાણનો આયામ
કોઇપણ આસનમાં શાંત બેસી શકીએ એટલે ઉર્જાનો વપરાશ ઓછો થાય અને તેનાથી ઉર્જાની જરૂરીયાત ઓછી એટલે શ્વાસની જરૂરીયાત ઓછી...શ્વાસ લયબધ્‍ધ થતો જાય તેનું નામ પ્રાણાયામ.
પાંચમું અંગ છે: પ્રત્‍યાહાર
ઇન્‍દ્રિઓને બહારના વિષયો, શબ્દ, સ્‍પર્શ ઇત્‍યાદિથી ખસેડીને પાછી વાળવી તેનું નામ પ્રત્યાહાર. જુદા-જુદા વિષયમાં ફરતી ઇન્‍દ્રિયોને તેમાંથી પાછી વાળીને ઇશ્વરના સ્‍મરણમાં રત કરવી.
છઠૃ અંગ છે: ધારણા
બહારના કે અંદરના, સ્‍થૂળ કે સુક્ષ્‍મ પદાર્થમાં મનને એકાગ્ર અને સ્‍થિર કરવાને ધારણા કહે છે. ધારણા એટલે એકાગ્રતા, મનને એક વિષય ઉપર લાંબો સમય બાંધી રાખવાની તાલીમ. મનને જોર જુલમથી વશ કરી શકાતું નથી. આથી ધારણામાં તેને કોઇ એક વિષય કે પદાર્થની આજુબાજુ ફરવાની છુટ અપાય છે. આમ કરતાં કરતાં મન કાબુમાં આવે છે. તેનાથી એકાગ્રતા આવે છે.
સાતમું અંગ છે: ધ્‍યાન
ધારણા ધ્‍વારા એક વિચાર કે પદાર્થ પર મનને સ્‍થિર કર્યા બાદ તે જ વિચાર કે પદાર્થમાં એકાકાર થવાનું તેને ધ્‍યાન કહે છે. આમ, ધ્‍યાન એ કોઇ પ્રવૃતિ નથી પણ સ્‍થિતિ છે. ધારણા, ધ્‍યાન અને સમાધિ એ એક બીજાના પુરક છે.
આઠમું અંગ છે: સમાધિ
ધારણા અને ધ્‍યાનના ફળરૂપે જે પ્રકાશ પ્રજવલિત થાય તે સમાધિ... મન જયારે પોતાના સ્‍વરૂપનો ત્‍યાગ કરી સંકલ્‍પ - વિકલ્‍પ રહિત થઇ કેવળ ધ્‍યેય સ્‍વરૂપમાં સ્‍થિત થાય છે તે અવસ્‍થાને સમાધિ કહે છે. ત્‍યારબાદ કંઇ મેળવવાનું કે જાણવાનું રહેતું નથી.

(તા.૦૯/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)
    સતીશ શામળદાન ચારણ

   (M) ૯૪૨૮૨ ૧૯૦૩૧                                 sscharan_aaa@yahoo.co.in

No comments:

Post a Comment