Friday, 11 September 2015

યોગ - અંદરના અંધારા ઉલેચવાની પ્રકાશમય વાત (તા.૦૧/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)


શાંતિની ઇચ્છા દરેક માણસને હોય તે સ્વાભાવિક છે. તે માટે માણસ નવા નવા સંશોધન અને પ્રયોગો કરતો રહયો છે. આ પ્રયોગો દ્વારા શાંતિનો અભ્યાસ થાય છે. પરંતુ તેનું સ્થાયિત્વ મળતું નથી. તેથી છેવટે તો માણસ વ્યથિત, વ્યાકુળ અને બેચેન છે. આ વ્યથાનું સમાધાન કોઇપણ બાહય સાધનથી શકય નથી. કારણ કે શાંતિ મનુષ્યના અંત: કરણમાં છે - આત્મામાં છે. અને આ આત્મસ્થ શાંતિ આધ્યાત્મિક  – સાધનાથી જ પ્રાપ્ત થઇ શકે છે.
આજના યંત્ર યુગમાં વિદ્યાર્થીગણ પણ તનાવ-યુક્ત થઇ રહ્યો છે. એડમિશન, પરીક્ષા, પરીણામ, ઇતરપ્રવૃતિ, ટ્યુશન કલાસીસ વિગેરે વિગેરે બાબતો જાણે-અજાણ્યે તણાવ તરફ લઇ જઈ રહયા છે. બીજી તરફ જોઈએ તો વ્યક્તિત્વ વિકાસ માટે ઉપરોક્ત સઘળી પ્રવૃત્તિ આવશ્યક પણ છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તણાવ વગર શાંત-ચિત્તે આ તમામ પ્રવૃત્તિઓને કૌશલ્ય પૂર્વક કેવી રીતે પાર પાડવી????? .
કોઇ પણ કાર્યને સંપન્‍ન કરતા પહેલા શરીર અને મનનું નીરોગી અને સ્‍વસ્‍થ હોવું જરૂરી છે. એટલે કે પહેલા બહારની સ્‍થૂળ સફળતા પ્રાપ્‍ત કરવી જોઇએ અને પછી જ આંતરિક આત્‍મિક ઉન્‍નતિ સાધના તરફ આગળ વધવું જોઇએ. જે લોકો શરીરને બિમાર, વ્‍યસની, જર્જરીત તથા આળસુ બનાવી રાખે છે. મનને  કુવિચારી, જડ, નિષ્ઠુર તેમજ ઉજજડ રાખે છે તેમના માટે મહત્‍વપૂર્ણ કામોમાં સફળતા પ્રાપ્‍ત કરવી મુશ્‍કેલ છે
તેના ઉપાય માટે યોગ જેવું ઉત્તમ અન્ય કોઈ નથી. યોગ બાળકો, યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ માટે જડી બુટ્ટી સમાન છે. યોગ એ નિયમિતતા, વ્યસનમુક્તિ, એકાગ્રતા તેમજ યુવા વર્ગના અન્ય પ્રશ્નો (Adolescent health) માટે ખુબજ ફાયદાકારક છે. યોગ કે યોગાસનોનું ધ્યેયમાત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી પરંતુ તે તેની ઉપ-પેદાશ (by-product) છે. જીવનના તમામ ક્ષેત્રોમાં એકાગ્રતા ખુબ જ જરુરી છે જે ભલે ક્રિકેટર હોય કે માથે બેડું લઇ પાણી ભરવા જતી સ્ત્રી હોય!. વિદ્યાર્થીઓ માટે તો એકાગ્રતા એ મહામુલી મૂડી છે. યોગ એકાગ્રતા અને યાદ શક્તિમાં આપોઆપ જ સુધારો અને વધારો કરી તેની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી વૈજ્ઞાનિક ઢબે વ્યક્તિત્વ વિકાસ દ્વારા સંપૂર્ણ માનવ બનાવે છે. અભ્યાસમાં રુચી વધારે છે. આમ, યોગના કારણે વ્યકિતનો શારીરિક, માનસિક, બૌધિક અને ભાવનાત્મક શક્તિઓનો સંતુલિત વિકાસ અને પરિણામે આધ્યાત્મિક કક્ષાએ વિકાસ શક્ય બને છે. પરિણામે, તે આજના ટેકનોલોજીનાં યુગમાં ઝડપથી બદલાતા સમાજની સમસ્યાઓનો પડકાર ઝીલવા શક્તિમાન બને છે. વિદ્યાર્થી જીવનના સુર્વણ કાળની સાચી સાચવણી માટે યોગ આવશ્યક અને ઉચિત માધ્યમ છે.
સ્વામી વિવેકાનંદજીએ  કહ્યું છે કે “ઈશ્વર પ્રાપ્તિ માટે મંદિરમાં જવાની જરૂર નથી. પરંતુ કાર્યને સંપુર્ણ મન લગાવીને કુશળતાથી કરીશું તો પણ ઈશ્વર પ્રાપ્તિ થશે.”
ભૂતકાળના અનુભવોનો ઉપયોગ કરી વર્તમાનમાં રહી દરેક કાર્ય કુશળતાથી અને ફરજ સમજીને કરવું તે યોગ છે.તે કુશળતા લાવવામાં અને સફળ થવામાં મદદ કરે છે.
યોગવિધામાં આધ્યાત્મિક તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગના ઉંડા ગૂઢ આકર્ષણને કારણે સમગ્ર વિશ્વમાં યોગ વિષયક જિજ્ઞાસા પ્રકટી છે. યોગ મનુષ્ય માત્ર માટે, સ્ત્રી-પુરૂષ, ગૃહી-વિરકત, બાળ-વૃધ્ધ શિક્ષિતએ બધાને માટે સમાનરૂપથી ઉપયોગી અને સરળ છે. વિશ્વભરમાં શિક્ષિત અને બૌધ્ધિક લોકો સમજતા થયા છે કે ભયંકર પરમાણું શસ્ત્રોનું સર્જન કરનાર માનવબુધ્ધિ અને ભૌતિકતાના આડંબરમાં અટવાયેલા માનવ સમાજનું કલ્યાણ યોગ દ્રારા જ થઇ શકે તેમ છે.
યોગ આધ્યાત્મિક વિજ્ઞાન છે. દરેક માનવ માત્ર એનો અભ્યાસ તેમજ અનુભવ કરી શકે છે. તે સાર્વભૌમ વૈજ્ઞાનિક તથ્ય છે. વ્યવહારિક વિજ્ઞાન છે. શરીર, મન અને આત્માના ઐકય સાથે વ્યકિત સ્વકેન્દ્રિત મટીને વિશ્વ માનવ પણ બની શકે છે. યોગનું અસ્તિત્વ ધર્મ સાથે જોડાયેલ નથી. તે શરીર અને મનથી અનુભવ કરવાનું વિશુધ્ધ વિજ્ઞાન છે. તેમાં ફકત અનુશાસનની વાત છે. આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોએ સિદ્ધ કર્યું છે કે શારીરિક, માનસિક અને નૈતિક સ્વાસ્થ્ય માટે તેમજ સૌદર્ય, મૌલિક સર્જન અને વ્યક્તિક્ત્વના ઉત્તમ વિકાસ માટે યોગ પૂર્ણ પદ્ધતિ છે. તેમજ  વ્યક્તિ અને સમાજ જીવનનો તે કાયાકલ્પ કરે છે.
શરીર, ઇન્દ્રિયો, મન, લાગણીઓ, ઈચ્છાઓ, વિચારો વિગેરે ઉપર કાબુ લાવવો એટલે યોગ…ર્ડાકટરો ગુસ્સો ઓછો કરવાની, ચિંતા ના કરવાની , સ્વાદ પર કાબુ લાવવાની, સ્વાર્થ ઓછો કરવાની વાતો કરે છે. પરમાર્થથી રોગ પ્રતિકારક શકિત વધે છે. આ બધી જ વાતો આપણા સાધુ-સંતો અને ધર્મમાં કરેલ છે. એટલે કે આપણા ર્ડાકટરો, વૈજ્ઞાનિકો અને સાધુ-સંતોની ભાષા અને વિચાર શૈલીમાં સામ્યતા વર્તાવા લાગી છે. ર્ડાકટરો અને વૈજ્ઞાનિકો Holistic approach ની વાતો કરવા લાગ્યા છે.
.-------------------------------------------------------------------------------------------------------
આપણા ર્ડાકટરો, વૈજ્ઞાનિકો અને સાધુ-સંતોની ભાષા અને વિચાર શૈલીમાં સામ્યતા વર્તાવા લાગી છે. ર્ડાકટરો અને વૈજ્ઞાનિકો Holistic approach ની વાતો કરવા લાગ્યા છે.
-------------------------------------------------------------------------------------------------------
માનસશાસ્ત્ર અને શરીરશાસ્ત્રની સંકલ્પનાઓ અને તેની પદ્ધતિઓ અમુક બાબતોમાં વિજ્ઞાનથી પણ આગળ છે. દા.ત.ચેતાતંત્ર પર નો કાબુની બાબતમાં યોગની દેન અદ્વિતીય છે.
યોગ એ પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું અનુસંધાન છે....એક જાણીતા ભૌતિક શાસ્ત્રી ફીત્ઝોફ કાપ્રા (Fritzof kapra) કહે છે કે આપણે કુદરત સામે સંઘર્ષની રીતનો વિજ્ઞાનમાં ઉપયોગ કર્યો તે ખોટું થયું છે. ખરેખર તો આપણો કુદરત સાથે સહકાર હોય તે માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. અને ચેતના મુકત થઇ જાય તે આત્મિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. રોગ એટલે શરીર, મન અને ચેતના વચ્ચેનું અસમંજસ્ય. યોગ આ પૂર્ણતાનું બીજું નામ છે. ‘યોગ કોઇ ધર્મ નથી. યોગ હિન્દુ યા મુસ્લિમ નથી. યોગ એક વિશુદ્ધ્ વિજ્ઞાન છે.’
શારીરિક સ્‍વાસ્‍થ્‍ય માટે વિજ્ઞાન ધ્‍વારા રોજ-બરોજ નવું નવું સંશોધન થાય છે. એક રોગ મટાડવા માટે સેંકડો દવાઓનું સંશોધન કરી રહેલ છે. તેમ છતાં રોગ ઓછા થવાને બદલે અન્‍ય રોગ પેદા થાય છે. દવાઓ રોગોને ખાતર તરીકેનું કામ કરી રહેલ છે. યોગ ધ્‍વારા વગર દવાએ શરીરને સ્‍વસ્‍થ રાખી શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શકિત વિકસે છે. તે શરીરના દરેક અવયવોને સ્‍ફ્રૂર્તિલા અને ઓજસ્‍વી બનાવે છે. યોગ શરીર સુધી સીમિત  નથી. પરંતુ તે મન અને ચેતનાને શુધ્‍ધ સ્‍વરૂપમાં પ્રસ્‍થાપિત કરે છે. આધુનિક યુગમાં વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (WHO) પણ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્‍યાત્‍મિક સ્‍વાસ્‍થ્‍યને જ પૂર્ણ સ્‍વાસ્‍થ્‍ય માને છે. આ રીતે જોઇએ તો કોઇ પણ વ્‍યકિત પૂર્ણ સ્‍વસ્‍થ નથી પરંતુ એ માટે પ્રયાસ કરી શકાય છે. યોગ વડે ચિત્તની, વ્યાકરણ વડે વાણીની અને આયુર્વેદ વડે શરીરની શુદ્ધિ થાય છે તેવી આ વિદ્યાની મહર્ષિ પતંજલિએ ચોકકસ રૂપરેખા આપી છે, એ કોઇ કાલ્પનિક કહાણી નથી કહેતા અને કહે છે કે “અનુભવ કરો.” યોગનો માર્ગ અનુભવનો માર્ગ છે. જેના માટે નિષ્‍ઠા, નિરંતરતા અને સજાગતા આવશ્‍યક છે.

(તા.૦૧/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)
સતીષદાન શામળદાનજી ચારણ
(મો.)94282 19031
sscharan_aaa@yahoo.co.in

No comments:

Post a Comment