Wednesday 17 February 2016

' મોહન - મહાદેવની જોડી ' (ગુજરાત સમાચાર તા.૧૦/૦૨/૨૦૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલ છે.)


આ આર્ટિકલ જોવા અહિયાં આ લીંક ઉપર કરો. 

મોહન - મહાદેવની જોડી

સત્યતા, સાધુતા અને સુંદરતાનો સામંજસ્ય

બુદ્ધિને અનુસાર જ્ઞાાન, હૃદયને અનુસાર ભાવના અને શરીરને અનુસાર સૌંદર્ય- મનુષ્યજીવનની મુખ્ય ત્રણ શાખાઓનો સમન્વય અને જેના જીવનનાં અંગોમાં કોઈ વિરોધ નહીં પણ સામંજસ્ય. એવા મહાદેવભાઈ... ગાંધીજીના પરમ ભક્ત... બાપુનું મન... ગાંધીજીનું એક ફેફસું !
૧૯૧૫માં ગાંધીજી સાથે સત્યાગ્રહાશ્રમની નિયમાવલીની ચર્ચા કરવા આશ્રમમાં ગયા. વળતાં બાપુનો આધ્યાત્મિક પ્રભાવ પારખી ગયેલા મહાદેવભાઈએ તેમના મિત્ર નરહરિભાઈને કહે છે, ''મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે. બાપુએ પણ મહાદેવભાઈની પ્રામાણિકતા, વફાદારી અને હોંશિયારીથી આકર્ષાઈ કહી દીધું કે, 'મહાદેવા તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે.' બસ ત્યારથી બાપુના પાય નીચે બેસીને બીજું બધું ભૂલી જઈ બાપુનો ધર્મ, કર્મ, મંત્રનો મર્મ ઉપાડી લીધો... બાપુમય બની ગયા... અંગત મંત્રી તરીકે અડધી જિંદગી બાપું સાથે રહ્યા.
તેઓ હંમેશા કહેતા કે, ''બાપુની સાથે રહેવું, એ જ્વાલામુખીની ટોચ પર રહેવા જેવું છે. જ્વાળામુખી ક્યારે ફાટે અને આપણા ફુરચેફુરચા ઉડાવી દે, તે કોઈ કહી શકે નહિ.'' તેથી જ ઝવેરચંદ મેઘાણીએ તેમના માટે 'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એવું વિશેષણ વાપર્યું. તેમના સુપુત્ર નારાયણભાઈ દેસાઈએ આ જ શીર્ષક હેઠળ મહાદેવભાઈની જીવનકથાને પુસ્તકરૃપે કુશળતાથી નિરૃપી છે. પણ કોઈ દૈવી સંપત બંધાવીને કિરતારે આપણી વચ્ચે મોકલ્યા હોય તેવું અહંકાર રહિત સાદુ જીવન, પારદર્શક વ્યક્તિત્વ, વિનોદી સ્વભાવ, આંતર બાહ્ય સૌંદર્ય... ફક્ત બે જ આકાંક્ષાઓ - દેશની મુક્તિ અને માનવીય સાધના !
બાપૂના પત્રો 'હરિજન'ના નામથી શરૃ થયા તેની અને 'નવજીવન' માટે લેખો તૈયાર કરવાની જવાબદારી મહાદેવભાઈના શિરે હતી. આ ગાંધી-પત્રો અને લેખોએ સત્યનિષ્ઠાનો ચીલો પાડયો. આ પત્રોથી પત્રકારત્વમાં અતિશયોક્તિ કે અતિરંજન શોભે નહીં પણ પત્રકારત્વ તો સત્યથી જ શોભે એવું મૂલ્ય દેશમાં પ્રસ્થાપિત થયું. જલિયાંવાલા બાગની કતલનું યંગ ઇન્ડિયામાં વર્ણન કરી તે કતલને સ્કોટલેંડના 'ગ્લેંકોની કતલ' કરતાં બૂરી અને નિંદનીય બતાવી, અલ્હાબાદથી પ્રકાશિત થતાં 'ઇન્ડિપેન્ડસ પેપર'ના પ્રેસને સીલ લાગતા મહાદેવભાઈએ આ પેપરની નકલો સાયક્લોસ્ટાઇલ છાપીને લોકોમાં વહેતી કરી. તેમાંના લેખો જોઈ તેમની ધરપકડ કરવામાં આવી. આ તેમને પ્રથમ જેલ થઈ. જેલમાં જ શરદબાબુના બે પુસ્તકો 'વિરાજવહુ'ને ત્રણ વાર્તાઓના સુંદર અનુવાદો કર્યા. બાપુના જીવનને સમજવા માટે અત્યંત ઉપયોગી એવી 'મહાદેવની ડાયરી'ના ૨૫ ભાગના સપુંટમાં મહાદેવભાઈએ ૧૩ નવેમ્બર ૧૯૧૭ થી ૧૪ ઓગસ્ટ ૧૯૪૨ સુધી જીવનના અંત સુધી બાપુ સાથે બનતી રોજેરોજની ઘટનાઓને આંખે દેખ્યા અહેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. મહાદેવભાઈના અનુવાદ અને લખાણોને લીધે ગાંધીજીના વિચારો પશ્ચિમના લોકોને સમજવામાં સરળ પડે છે. વાઈસરોયના સેક્રેટરીએ તેમને ગાંધી વિચારના સર્વોત્તમ ભાષ્યકાર કહ્યા. તેમના જીવનમાં જ્ઞાાન અને કર્મની બે ધારાઓ એક થઈ વહેતી હતી.
૧૯૩૧માં બાપૂ સાથે ગોળમેજી પરિષદમાં ગયેલા તો એપ્રિલ ૧૯૪૧માં અમદાવાદમાં કોમી રમખાણોમાં શાંતિસૈનિક તરીકે મહાદેવભાઈને મોકલ્યા હતા. તેઓ હિંદુ-મુસ્લિમ ઐક્ય અંગે બોલ્યા કે -

'હું મારા ધર્મને વળગી રહું છતાં મારે બીજા ધર્મો પ્રત્યે મારા ધર્મ જેટલા જ માન અને પ્રેમ રાખવા જોઈયે.'
સેવાગ્રામમાં તાર-ટપાલની વ્યવસ્થા ન હોઈ નિયમિત રીતે વર્ધાથી આશ્રમમાં રોજ પાંચ કિલોમીટર ચાલી બાપુની ટપાલ પહોંચાડી કામ પતાવી સાંજે પાછા આવતા. સેવાગ્રામથી નજીક સિંદી ગામની ગંદકી તેઓ સૂંડલો-સાવરણો લઈ સાફ કરતા તેમના બોલ હતા : 'અંતજ્યની સેવા એ પાપનું પ્રાયશ્ચિત છે.' સાથોસાથ અંતજ્યનો એ જ પોતે પોતાની ઉન્નતિ સાધવી જોઈયે. પોતાને ગાંધીજીના 'હમાલ' ગણાવતા. સાબરમતી નદીમાંથી રેતીના તગારા માથે લાવી આશ્રમના મકાનો તૈયાર કરવામાં મદદ કરતા. સરદાર વલ્લભભાઈ ગાંધીજીથી દૂર હોય ત્યારે ગાંધીજી સાથેનો તમામ વ્યવહાર મહાદેવભાઈ મારફત થતો.

યંગ ઈન્ડિયા, નવજીવન અને ઈન્ડિપેન્ડન્ટના શરૃઆતના દિવસોમાં કામકરવાની તકે પાછળથી એક પત્રકાર તરીકે મહાદેવભાઈએ ગજું કાઢ્યું. ૧૯૩૬માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખ મહાદેવભાઈ હતા. મોતીના દાણા જેવા અક્ષરોમાં ઠરાવો, નિવેદનો વગેરે તૈયાર કરવાનું કામ કરતા મહાદેવભાઈ શબ્દોના સ્વામી હતા. બાપુ સાથે એટલા ઓતપ્રોત હતા કે બાપુ લખાવતા લખાવતા અટકી જાય તો તેઓ શું લખવા માગે છે એ સમજી જતાં અને પોતાની કલમ ચલાવ્યે રાખતા. તેઓ એક કિસ્સામાં ભગવદ્ગીતા અને બીજા ખિસ્સામાં કલમ રાખતા. ભગવદ્ગીતા પ્રતિક હતી એમના ચારિત્ર્યના ઉંડાણની અને કલમ હતી એના વિસ્તારની. મહાદેવભાઈ ગીતાના શ્લોકોનો ઉચ્ચાર અને અર્થ ગાંધીજી કરતાં સારી પેઠે જાણતા હતા તેવું ગાંધીજી કહેતા હતા. મહાદેવભાઈ લખે છે કે 'હિંસાનીતિ અને અહિંસા નીતિમાં ભેદ એ જ છે કે હિંસાનીતિ ક્રૂત્યના કરનારને નીંદીને તેની હિંસા ઈચ્છે છે જ્યારે અહિંસાનીતિ ક્રૂત્યને નીંદીને તેના કરનારની સેવા કરવા ઈચ્છે છે.'
'મારા રામરાજ્યમાં માથા ગણીને કે હાથ ગણીને પ્રજાના મતનું માપ ન કાઢી શકાય, મારા જેવો એકાદું ભાષણ આપીને તમારો મત ચોરી જાય તે મતમાં પ્રગટ થતી વસ્તુ ''ડેમોક્રેસી''' નથી. એમના આ બોલ હાલના સમય માટે ઘણું કહી જાય છે.
૧૯૪૨ની આઝાદીની છેલ્લી લડત ! ક્વીટ ઇન્ડિયા... બા, બાપુની સાથે મહાદેવભાઈને પણ આગાખાન મહેલની જેલમાં હતા ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ હાર્ટ એટેક આવતાં ૫૦ વર્ષની વયે મહાદેવભાઈ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. મહાદેવભાઈના જવાથી ઘડીભર અસ્વસ્થ, વિહવળ જણાતા ગાંધીજીને આ બાબતે સુશીલાબહેને પૂછતાં બાપૂએ જવાબ આપ્યો કે તેમાં વિહવળતા નહોતી, તેમાં શ્રધ્ધા હતી. બાપૂએ જણાવ્યું કે 'મને એમ હતું કે જો એક વાર આંખ ઉઘાડીને મારી તરફ જોશે તો હું એમને કહીશ કે 'ઉભા થઈ જાઓ' એમણે આખી જિંદગી મારી આજ્ઞાા ઉથાપી નહોતી. એ શબ્દો જો એમના કાને પડયા હોત તો મને શ્રધ્ધા હતી કે એ મોતનો પણ સામનો કરીને ઉભા થઈ ગયા હોત.' બાપૂએ મહાદેવભાઈના શરીરને સ્નાન કરાવ્યું. પોતાના ઇષ્ટદેવતાના હાથે અગ્નિદાહ પામવા સદભાગી બન્યા. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું : 'મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.'
- સતીશ શામળદાન ચારણ

No comments:

Post a Comment