Thursday, 29 October 2015

સિસ્ટર નિવેદિતા - દૈવી ગુણસંપત્તિનું મોઘેરું મોતી ( તારીખ 28/10/2015ના ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલ છે.)

સિસ્ટર નિવેદિતા - દૈવી ગુણસંપત્તિનું મોઘેરું મોતી

શ્રી રામકૃષ્ણ જેમને પોતાની મા સમાન માનતા એવા ગોપાલની મા સ્વામી વિવેકાનંદને 'નોરેન' અને નિવેદિતાને નોરેનની દીકરી કહેતાં. આ 'નોરેન'ની દીકરીનું મુળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબેલ હતું.
આયર્લેન્ડમાં ૨૮ ઓક્ટોબર, ૧૮૬૭ના રોજ જન્મ. પિતા સેમ્યુઅલ એક પાદરી હોવાને નાતે ધર્મ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા, દલિતોની સેવા અને બીજાના માટે જીવવું એ જ સાચું જીવન છે. એવો ઈશુના બલિદાનનો મંત્ર પિતા તરફથી મળ્યો. માતા મેરીએ સગર્ભાવસ્થામાં થતી મુંઝવણ અને ગભરાટ અને તેના કારણે આ નવજાત શિશુની સલામતી અંગે વ્યાકુળ બનતાં પ્રભુ શાંતિ અને શક્તિ આપે તે માટે આ શિશુને પૃથ્વી પર પ્રથમ શ્વાસ લીધા પહેલાં જ પ્રભુની સેવામાં અર્પિત કરી દેવાયું જે આગળ જતાં દૈવી ગુણસંપત્તિનું એક મોઘેરું મોતી બન્યું. કલા, સાહિત્ય અને સંગીતનું સારું જ્ઞાાન ધરાવતા માર્ગરેટ ૧૭ વર્ષની ઉંમરે શિક્ષિકા બન્યા. સિક્ષણકાર્ય દ્વારા વિદ્યાર્થીઓના જીવનઘડતરનો વિકાસ તો થાય પણ સાથે સાથે પોતાના જીવનનોય વિકાસ થતો રહે છે તેમ માની શિક્ષણને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
તેઓ માનતા હતા કે, શિક્ષકનું પહેલું કાર્ય શિષ્યની ચેતનામાં પ્રવેશ કરી અને તે ક્યાં છે અને કઈ દિશા તરફ પ્રગતિ કરે છે તે જાણવું છે. આના સિવાય કોઈ પાઠ શીખવી શકાય નહીં. તેમના મતે કેળવણી બાળકેન્દ્રી ન હોતા, સંસ્કારકેન્દ્રિત સમગ્ર વિકાસ માટેની હોવી જોઈએ.
૧૦ વર્ષની ઉંમરે પિતાના અવસાનનો ઘા... ત્યાં જ યુવાન વયે વિચારોમાં સામ્યતા અને જીવનનું સમાન ધ્યેય ધરાવતા એન્જિનિયર મિત્ર વેલ્શ યુથ સાથે વિવાહ કરી સહજીવન જીવવાની યોજના વિચારી... પણ... સગાઈ થાય એ પહેલાં જ ટૂંકી માંદગીમાં મિત્રનું અકાળે અવસાન... બીજો કારમો ઘા... ક્યાંય આશાનું કિરણ ન મળે... સામાજીક અને ધાર્મિક કાર્યોમાં મન પરોવ્યું છતાં સંતોષ ન મળ્યો.
ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર વાંચતા કુમાર સિદ્ધાર્થ અને બાળ ઈશુના જીવનની સામ્યતા અને બંને મહાપુરુષોએ જગતના કલ્યાણ અને દુ :ખી લોકોના ઉધ્ધાર માટે જે સહન કરેલું જે સમજાતા હૃદયને આંશિક શાંતિ મળી.
અંતરમાં શાંતિ અને સત્યની શોધ દરમિયાન તેમનો પરિચય મહાન દાર્શનિક અને આધ્યાત્મિક ગુરૃ સ્વામી વિવેકાનંદ સાથે થયો. સ્વામીજીનો દ્રષ્ટિકોણ, વીરોચિત વ્યવહાર, આદર્શો અને સ્નેહને કારણે માર્ગરેટની જે સોચ હતી તે બદલાતા અને શ્રદ્ધાનો ઉદય થતાં મનોમન ભારતભૂમિને પોતાની વાસ્તવિક કર્મભૂમિ બનાવી, ત્રણ વર્ષ પછી તેઓ ભારત આવ્યા. સમાજ સેવા માટે તેજસ્વિતા, તપસ્વિતા અને તત્પરતા, સમર્પિતતા અને ત્યાગની ભાવનાથી પરિપૂર્ણ માર્ગરેટ આવા મહાન સંતની પરીક્ષામાંથી પસાર થયા... કુંદન સમ ઉજ્જવળ બનીને ભઠ્ઠીમાંથી નીકળ્યા !
સ્વામી વિવેકાનંદે ૨૫ માર્ચ ૧૮૯૮ના રોજ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરાવ્યા બાદ પોતાની શિષ્યા તરીકે સ્વીકારી નવું નામ ભગિની નિવેદિતા રાખી ભગવાન બુદ્ધના કરુણાના પથ ઉપર ચાલવાની પ્રેરણા આપી.
પાશ્ચાત્ય સંસ્કૃતિ ત્યાગી ભારતીય સંસ્કૃતિ અપનાવી કોલકતામાં વસવાટ કર્યો અને ગુરૃ પ્રેરણાથી સ્ત્રી શિક્ષાના ક્ષેત્રમાં એવા સમયે ઝંપલાવ્યું જે સમયે સમાજમાં સ્ત્રી શિક્ષાનો ફેલાવો નહિવત હતો. છોકરીઓ માટે શાળા ખોલી. જેનું ઉદઘાટન રામકૃષ્ણના જીવનસંગિની માં શારદાએ કર્યું.
નિવેદિતાએ પોતે પુસ્તકો લખી તેમાંથી થતી કમાણીમાંથી ભગિની ક્રિસ્ટીનની સહાયથી છોકરીઓની માતાઓ માટે વાંચતા, લખતાં, સીવતા ને ચિત્રકામના અલગ વર્ગો શરૃ કર્યા અને તેમાં નિવેદિતા પોતે શીખવતા.
સાથે સાથે મહિલાઓને સમજાવતા કે પશ્ચિમી દેશોની આધુનિક ફેશન, વિલાસતા તથા અંગ્રેજી શિક્ષણની અસર તળે પોતાના નિજી આદર્શો અને રહેણીકરણીને છોડવા નહિ અને ઘર કુટુંબમાં મીઠા સંબંધો રાખવા. ભારતીય પત્નીની પવિત્રતા, માતાની નિસ્વાર્થતા અને વડિલોને મળતા માનના તેઓ પેટભરીને વખાણ કરતા.
સ્વામીજી સાથે વિદેશોમાં પણ હિન્દુ ધર્મ અને ભારતીય રાષ્ટ્રીયતા વિષેના પ્રવચનો આપી ભારતીય કલા કારીગરી પ્રચલિત કરી. રેલ, કોમી હુલ્લડો, દુષ્કાળ, રોગચાળો જેવી કોઈ માનવ કે ઈશ્વરસર્જિત મુશ્કેલીઓમાં નિવેદિતા ખડે પગે હોય.
૧૮૯૯માં કોલકત્તામાં ફેલાયેલ પ્લેગ જેવા ભયંકર રોગમાં દર્દીઓની સેવા કરતાં બાગબજાર લત્તાની એકએક ઝુંપડીમાં નિવેદિતાની કરુણામય મૂર્તિના દર્શન થતા હતા. એક દર્દીના દવા-દારૃના ખર્ચને પહોંચી વળવા પોતે દૂધ પણ છોડી દીધેલું. તેઓ પ્રભુના દર્શન મંદિર-મહાદેવમાં નહિ, પણ દીન-દુ :ખીયાં લોકોની વચ્ચે કરતાં હતાં... એ જ અધ્યાત્મ ! સ્વામીજીની મહાસમાધિ બાદ પુરા સાહસ સાથે આઝાદીની લડાઈમાં સક્રિય થયા.
લોકોને વેદો અને પુરાણોનું મહત્વ સમજાવી આત્મસમ્માન જગાવ્યું. ૧૯૦૫માં બનારસમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. કોઈ અન્યાયપૂર્ણ કાયદો પસાર કરવામાં આવે તો તેની સામે વિરોધનો સૂર સૌથી પહેલા નિવેદિતાનો સંભળાતો. 'વંદે માતરમ'નું રાષ્ટ્રીય ગીત જાહેરમાં ગાવા સામે સરકારની મનાઈ છતાં એ ગીત પોતાની શાળાની દૈનિક પ્રાર્થનામાં તેઓ ગવડાવતા.
૨૦મી સદીની શરૃઆતમાં બ્રિટીશ શાસનમાંથી મુક્ત થવા અને આઝાદીની ચળવળ જોર પકડે તે માટે રાષ્ટ્રધ્વજ જેવા માધ્યમ દ્વારા તમામ દેશભક્તોને એક નેજા હેઠળ લાવવા તેમણે સૌપ્રથમ ધ્વજ રજૂ કર્યો. આ ધ્વજ સિસ્ટર નિવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો. તેઓ યુવાનોને કહેતા કે, તમારા દેશનું હિત થાય તે જોવાનું એકમાત્ર ધ્યેય તમારે રાખવું જોઈએ.
૧૯૧૧ના રોજ ૪૪ વર્ષની ઉંમરે દાર્જલિંગ ખાતે હિમાલયની ગોદમાં પરમ શાંતિમાં પોઢી ગઈ. હિંદુ વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર થયો. પોતાની સંપત્તિનું વસિયતનામું કરી નાખ્યું... પાસે જે કંઈ હતું તે ભારતમાતાને ચરણે સમર્પી દીધું. શાળાના નિભાવ માટે પોતાનાં પુસ્તકોની રોયલ્ટી આપી દીધી. કન્યા કેળવણી અને નારી જાતિના ઉધ્ધાર માટે બીજું બધું રામકૃષ્ણ મિશનને આપ્યું... લોકસેવાના સંસ્કાર મૃત્યુપર્યંત જાળવી રાખ્યા.

- સતીષ શામળદાન ચારણ

No comments:

Post a Comment