Thursday 17 September 2015

પરમ કલ્યાણકારી યોગવિધા (તા.16/૦9/2015ના ગુજરાત સમાચાર માં પ્રકાશિત થયેલ છે.)


શાંતિની ઇચ્છા દરેક માણસને હોય તે સ્વાભાવિક છે. તે માટે માણસ નવા નવા સંશોધન અને પ્રયોગો કરતો રહયો છે. આ પ્રયોગો દ્વારા શાંતિનો અભ્યાસ થાય છે. પરંતુ તેનું સ્થાયિત્વ મળતું નથી. તેથી છેવટે તો માણસ વ્યથિત, વ્યાકુળ અને બેચેન છે. આ વ્યથાનું સમાધાન કોઇપણ બાહય સાધનથી શકય નથી. કારણ કે શાંતિ મનુષ્યના અંત: કરણમાં છે. આત્મામાં છે. અને આ આત્મસ્થ શાંતિ આધ્યાત્મક – સાધનાથી જ પ્રાપ્ત થઇ શકે છે.
ભારતમાં જે વિધાઓની શોધ થઇ તેમાસ્થાયિત્વ છે. પશ્વિમના વૈજ્ઞાનિકો પહેલા પ્રાણીઓ ઉપર પ્રયોગો કરે છે, તારણો કાઢે છે. આ પધ્ધતિમાં ઘણાં પરિણામો અને ઘણાં તારણો અધૂરાં રહી જાય છે. ભારતની શોધની રીત સંયમની હતી. ઋષિઓએ જયારે પણ કોઇ શોધ કરી છેત્યારે એ શોધનો જન્મ તેમની સમાધિ અવસ્થામાં થયો છે. આ સમાધિ અવસ્થા એટલે મનની એવી અવસ્થા જયાં તૃપ્તિ આવે, કયાંક દુ:ખ ન હોય, કયાંય વિયોગ ન હોય, જયાં અકારણ આનંદનો પ્રવાહ વહેતો હોય, શાંતિનું ઝરણું વહેતું હોય. સંસારિક પરિસ્થિતિ ગમે તેવી હોય, સંસારનો ભાર અનાયાસે વહન થતો હોય, બહાર ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ અંદરની જયોત એવીનેએવી અવિરત રહે, શોક, વિયોગ જેવા સાધનો ક્રમશ: હલકા થાય.
તુકારામ મહારાજ કહે છે કે ’’હવે હું મોકળો છું. કોથળો થઇને પડયો છું, બધી પ્રવૃતિ પુરી થઇ.’’ તુકારામ કોથળો થઇને પડયા પણ એ ખાલી કોથળામાં પ્રચંડ પ્રેરક શકિત છે. સૂર્ય જાતે કશા હોકારો કરતો નથી, પણ તેને જોતાની સાથે પંખીઓ ઉડવા માંડે છે, જગતના જાત જાતના વ્યવહારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય છે. તે હોય તેટલું જ પુરતું છે.
આ સમાધિ અવસ્થા એટલે મનની સ્થિતી-મનની શાંતિ-જીવનના નવા પરિમાણમાં પ્રવેશ કરવાની ચાવી.
યોગવિધામાં આધ્યાત્મિક તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગના ઉંડા ગૂઢ આકર્ષણને કારણે સમગ્ર વિશ્વમાંયોગ વિષયક જિજ્ઞાસા પ્રકટી છે. યોગ મનુષ્ય માત્ર માટે, સ્ત્રી-પુરૂષ, ગૃહી-વિરકત, બાળ-વૃધ્ધ શિક્ષિતએ સૌ બધાને માટે સમાનરૂપીથી ઉપયોગી અને સરળ છે. વિશ્વભરમાં શિક્ષિત અને બૌધ્ધિક લોકો સમજતા થયા છે કે ભયંકર પરમાણું શસ્ત્રોનું સર્જન કરનાર માનવબુધ્ધિ અને ભૌતિકતાના આડંબરમાં અટવાયેલા માનવસમાજનું કલ્યાણ યોગ દ્રારા જ થઇ શકે તેમ છે.
યોગ આધ્યાત્મિક વિજ્ઞાન છે. દરેક માનવ માત્ર એનો અભ્યાસ તેમજ અનુભવ કરી શકે છે. તે સાર્વભૌમ વૈજ્ઞાનિક તથ્ય છે. વ્યવહારિક વિજ્ઞાન છે. શરીર, મન અને આત્માના ઐકય સાથે વ્યકિત સ્વકેન્દ્રિત મટીને વિશ્વ માનવ પણ બની શકે છે. યોગનું અસ્તિત્વ ધર્મ સાથે જોડાયેલ નથી. શરીર અને મનથી અનુભવ કરવાનું વિશુધ્ધ વિજ્ઞાન છે. તેમાં ફકત અનુશાસનનીવાત છે. પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું અનુસંધાન છે.
ર્ડાકટરો ગુસ્સો ઓછો કરવાની,સ્વાદ પર કાબુ લાવવાની, સ્વાર્થ ઓછો કરવાની વાતો કરે છે. પરમાર્થથી રોગ પ્રતિકારક શકિત વધે છે. આ બધી જ વાતો આપણા સાધુ-સંતો અને ધર્મમાં કરેલ છે. એટલે કે આપણા ર્ડાકટરો અને સાધુ-સંતોની ભાષા અને વિચાર શૈલી એક જ પ્રકારની થવા લાગી છે. ર્ડાકટરો અને વૈજ્ઞાનિકો Holistic approach ની વાતો કરવા લાગ્યા છે.
એક જાણીતા ભૌતિક શાસ્ત્રી ફીત્ઝોફ કાપ્રા(Fritzof kapra) કહે છે કે આપણે કુદરતી સામે સંઘર્ષની રીતનો વિજ્ઞાનમાં ઉપયોગ કર્યો તે ખોટું થયું છે. ખરેખર તો આપણો કુદરત સાથે સહકાર હોય તે માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. અને ચેતના મુકત થઇ જાય તે આત્મિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. રોગ એટલે શરીર, મન અને ચેતના વચ્ચેનું અસામંજસ્ય. યોગ આ પૂર્ણતાનું બીજું નામ છે. પતંજલિએ યોગની ચોકકસ રૂપરેખા આપી છે અને કહે છે કે અનુભવ કરો.

ભારતમાં યોગની ચર્ચા સાવ અવળા માર્ગે ફંટાઇ ગઇ છે. ભારતના બે મુખ્ય સંપ્રદાયોના પરસ્પરના સંબંધોનો તેરસો-ચૌદસો વર્ષનો ઇતિહાસ અનેક ખાડા-ટેકરાઓથી ભરેલા માર્ગ જેવો હતો. જો કે મુળિયા એક સરખા હતા. ભારતના મોટાભાગના મુસ્લિમો ધર્મ પરિવર્તનને લીધે જ મુસ્લિમ બન્યા હતા. સંસ્કારો મોટે ભાગે સમાન હતા. પણ ઇતિહાસ બંનેને માટે હંમેશા સમાન રહયો ન હોતો. બે ત્રણ ભાષામાં સામાન્ય શબ્દ છે. ’Doni Polo.’‘Doni’ એટલે ચંદ્ર અને ‘Polo’એટલે સૂર્ય. પણ બંનેસાથે બોલો એટલે એનો અર્થ ભગવાન થાય. એટલે કે સૂર્ય અને ચંદ્ર જેણે બનાવ્યા તે એટલે કે ભગવાન. શ્રી નારાયણભાઇ દેસાઇ લિખિત ગાંધીજીના ક્રાંતિ વિધાલયમાં સવારની પ્રાર્થના તરીકે ગવાય છે તે ’Doni Polo.ઉપરથી લખાયેલ છે. પ્રકૃતિની પ્રાર્થના છે.તેમણે શિંલોગમાં ભણતા વિધાર્થીઓને પૂછયું કે આ પ્રાર્થના તમને લોકોને સમજાય છે. તો તેમણે કહયું કે હા, આ પ્રાર્થના અમારી છે. અમને લાગે છે કે એ અમારા ધર્મને સમજાવે છે. આમ, યોગ પણ પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું જોડાણ છે.આમ, આ ધર્મ પ્રકૃતિનો ધર્મ છે.તેને કોઇ ધર્મ સંપ્રદાય-નાત-જાત સાથે કોઇ લેવા દેવા નથી. તે ફકત માનવ જાત માટે છે.
(તા.16/૦9/2015ના ગુજરાત સમાચાર માં પ્રકાશિત થયેલ છે.)
સતીષ શામળદાન ચારણ
મો.૯૪૨૮૨-૧૯૦૩૧


No comments:

Post a Comment