પ્રકૃતિએ આહાર પ્રમાણે પ્રાણીની આહાર મેળવવાની ક્ષમતા તથા
પાચન તંત્રની રચના કરી છે. માંસભક્ષી પ્રાણી પાસે બીજા પ્રાણીનો શિકાર કરવા માટે
ઝડપ, સ્ફુર્તિ, તેજ દ્દષ્ટિ,તીક્ષ્ણ
નહોર, તીક્ષ્ણ દાંત આદિની જરૂર છે. માણસ આ દરેક ક્ષેત્રે
પાછળ છે. તેથી માણસને પ્રકૃતિએ માંસાહારી ઘડયો નથી. સૃષ્ટિમાં ભાર, કદ,બળ,બુધ્ધિ અને આયુષ્યમાં
ચડિયાતા બધાં પ્રાણીઓ લાંબુ જીવે છે. માંસાહારની પશ્રિમી વ્યાખ્યાઓ સગવડિયા છે.
પૂર્વની વ્યાખ્યા કડક છે. છતાં શરીર ટકાવી રાખવા માણસે કાંઇકને કાંઇક હિંસા તો
કરવી જ પડે છે. માણસો અને જાનવરોનો ઝગડો પણ છે. માણસે હજી પોતાના અંદર-અંદરના ઝઘડા
શમાવ્યા નથી. અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસી ઠાંસીને જીવે છે. માણસને હજી
પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથી દૂબળાં જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું
નથી. આદિમાનવ ઘણું ખરું કંદમૂલ-ફlળાહારી
અને આગળ જતાં દુર્મતિવશ માનવ સમાજનો મોટા ભાગ માંસાહારી બન્યો, તે વાત
ડાહયા-ઉત્તમ માણસોને નગમી અને એવું બંધન મૂકયું કે માંસ ખાવાનું થાય તો યજ્ઞમાં
હલાલ પશુનું જ ખાવું. આ બંધન-હેતું હિંસા ઉપર અંકુશ મુકવાનો હતો. કેટલાંકે માંસનો
પુરોપુરો ત્યાગ કર્યો. પણ જેમનાથી ત્યાગ થઇ શકે તેમ નહોતું તેમણે યજ્ઞમાં
પરમેશ્વરને અર્પણ કરી, કંઇક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી
મળી અને યજ્ઞ સામાન્ય વાત બની ગઇ. જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડયું. આ તો અખા ભગતે કહયું તેમ ’’એરણની ચોરી અને સોયનું દાન’’. એટલે ભગવાન બુધ્ધ આગળ
આવ્યા. તેમણે કહ્યું : ’’માંસ ખાવું હોયતો ભલે ખાઓ, પણ કંઇ ઇશ્વરને નામે ન ખાશો.’’એ બંને વચનોનો હેતુ
એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડુ ગમે ત્યાંથી આખરે
સંયમને રસ્તે ચડે. કોઇ જીવ એવો નથી જેના ઉપર કોઇ દેખરેખ રાખનાર ન હોય. કુરાનમાં
લખ્યું છે કે ’’શું આ લોકો પોતાના ઉપર ઊડતા પક્ષીઓને પાંખો
ફેલાવતા અને સંકેલી લેતા નથી જોતાં? રહેમાન સિવાય કોઇ નથી
જેણે તેમને ટેકવી રાખ્યા હોય. તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.’’ ઉપરાંત અલ્લાહે હરામ(અવૈધ) ઠરાવેલ કોઇ જીવને નાહક કતલ કરતા નથી; આ કામ જે
કોઇ કરે તે પોતાના ગુનાનો બદલો મેળવશે.”
વેદ શીખવે છે કે આત્મા એ ઇશ્વરી અંશ છે. આચાર્યોએ સાવધાની ઉચ્ચારી
છે કે અત્યારે જે માણસ પશુંને ખાય છે, તે માણસને પછીથી પશું ખાશે.
મુરઘી કહે મુલ્લા સે, તુ ઝબ્બે કરત હે મોહે!
જબ સાહેબ લેખા માગશી, તબ સંકટ પડશે તોહે....!!
ઉપનિષદોમાં યજ્ઞતંત્રનો ઉત્સાહ ભર્યો સત્કાર થયો નથી, પણ
વિરોધ થયો છે. ઉપનિષદો પશુઓના બલિનો તો ઠીક પણ દ્રવ્યોના બલિનો પણ પક્ષ લેતા નથી; પણ યજ્ઞનું આધ્યાત્મિક સ્વરૂપ કલ્પીને કે આધ્યાત્મિક અર્થદર્શન કરીને
તેને ઉચ્ચત્તર ભાવનાની કક્ષામાં મૂકે છે.
ર્ડા.પ્રેમદાન ચારણ’’ભારતીય’’
લખે છે કે
દેવતત્વ તો માંસ મદિરા કી ભેટ ચઢ ગયા;
વાકઇ કિતને હૈ ઇન્સાન મૈ જાનતા નહી.
બુધ્ધ ભગવાને અહિંસાને ખૂબજ મહત્વ આપ્યું છે. તેને પહેલો
ધર્મ કહયો છે. ’’અહિંસા પરમો ધર્મ’’. તેમણે કહયું છે કે દરેકે
સમ્યક-દ્દષ્ટિ(a Purevision),સમ્યક-સંકલ્પ(Pure thoughts), સમ્યક-કર્મ(Pure deeds),સમ્યક-સૃષ્ટિ(Listening to sacred words)અને સમ્યક- જીવનમ્(Living a Pure life)ના ગુણો વિકસાવવા જોઇએ અને તો જ દરેક જીવ માત્રને
પ્રેમ કરી શકાશે.
વાહન નીચે કુતરું કે અન્ય પ્રાણીઆવી જાય
તો કેમ ચિત્કાર કરીએ છીએ? એના અને આપણામાં કાંઈક સમાન તત્વ છે તે આત્માની સમાનતા.
આશ્રમમાં બીમાર વાછરડાનું દુ:ખ જોતા બાપુએ કહ્યું કે મૂંગા જાનવરને આમ પીડા સહન
કરતુ રાખવું એમાં હિંસા છે.તેને મૃત્યુનો વિશ્રામ આપવો જોઈએ. બધાની નારાજગી હોવા
છતાં વાછરડાને પારસી ડોકટર બોલાવી મરણ આપ્યું. આમ, સહાનુભૂતિમાંથી અહિંસાનો આરંભ
થાય છે.
પૂજય
મુરારી બાપુ તેમની રામકથામાં કહે છે તેમ જયારે મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ, જગદ્દગુરૂ શંકરાચાર્ય જેવા અહિંસાના પુજારીઓ વિહાર માટે નિકળતા ત્યારે
તેમના પ્રભાવથી દસ,પંદર માઇલ સુધી જંગલના હિંસક પ્રાણીઓ-પશુઓ પણ હિંસા કરવાનું
છોડી દેતા.
ક્રુરતા કે નઠોરતા એ અંત:સ્વભાવ નથી પરંતુ
સ્વભાવના અજ્ઞાનજનિત પ્રકૃતિ નું એક વિકૃત સ્વરૂપ છે. કુદરત સાથે સહકાર હોય તે
માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે.
ભયંકર માં ભયંકર પ્રાણીઓનો સ્વભાવ પણ
કોમળ,મૃદુ કે માયાળુ જ હોય છે.તેની સાબિત કે તે પોતાના પરિવાર સાથે કેવા હેતાલાં-
પ્રીતાલાં બનીને સમૂહમાં ગેલ કરતા જોવા મળે છે! જો સ્વભાવ જ ક્રુરતાનો હોય તો તે
બધે લાગુ પડવો જોઈએ,પણ ક્યાંક આનાથી વિપરીત હોય તો તે સ્વભાવ નથી કે સ્વભાવ-જન્ય
નથી પણ અજ્ઞાન-જન્ય છે.
ગુરુ નાનકદેવને તેમના પિતાએ ખેતરની
રખેવાળી માટે મુક્યા, ત્યારે પંખીઓને કહેતા...
હર કી ચિડીયા હર કા ખેત! ખાઓ મેરી ચિડીયા
ભર ભર પેટ!!
પંખીઓને ઉડાડી દેવાને બદલે પંખીઓને
આમંત્રીને દાણા ખાવાની મોજ કરતા જોવામાં આનંદ આવતો.
જાબાલ
દર્શનોપનિષદ્દમાં કહયું છે કે
સ્વાત્મવત્સર્વભૂતેષુ કાયેન મનસા ગિરા;
અનુજ્ઞા યા દયા સૈવ પ્રોકતા વેદાન્તવેદિભિ.
અર્થાત્
’’
વ્યકિતએ અન્ય તમામ જીવો પ્રત્યે આત્મભાવ રાખી શરીર, મન
અને વાણી ધ્વારા પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો
જોઇએ.
રમણમહર્ષિ
પાસે ખિસકોલી, મોર, વાંદરા જેવા પશુ-પક્ષીઓ નિર્ભય બની ફરતાં હતાં. પોંડિચરીના શ્રી માતાજીની
બાલ્કની દર્શન વખતે દરરોજ વહેલી સવારે એક કાગડો રાહ જોઇ છજા પર બેસતો અને
શ્રીમાતાજી પાસેથી બિસ્કીટ લઇ ઊડી જતો. શ્રી અરવિંદે તો ચકલીને પોતાના ઓરડામાં
રાખી હતી. આ ચકલી ઉંઘી જાય એટલે તેની ઉંઘમાં ખલેલ ના પહોચે તે માટે કોઇએ અવાજ ન
કરવાનો. ચકલીએ બારણાના ખાચાંમાં ઈંડા મૂકયા અને બચ્ચાં મોટા થઇ ઉડી ન ગયા ત્યાં
સુધી શ્રી અરવિંદે આવવા-જવા માટે એ બારણાનો ઊપયોગ ન કર્યો. એક નાનકડી ચકલી પ્રત્યે
કેવી કાળજી!....કેવી સંવેદન શીલતા!....
ભગવાનશ્રી
સ્વામિનારાયણે સર્વ જીવહિતાવહ ’’શિક્ષાપત્રી’’ની રચના સ્વહસ્તે કરી છે. તે માત્ર
આચાર સંહિતા(code of
moral conduct) નથી. એમાં
તત્વજ્ઞાનનાં ઉત્તમ રહસ્યો પણ ગૂંથાયેલ છે. તેમાં અહિંસક યજ્ઞને પ્રોત્સાહન આપતાં
કહયું છે. ’’દેવતા
અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા,મૃગલા, સરલા, માછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ કે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહયું છે. અને જે
માંસ છે તે તો, યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ કયારેય
ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય(દારૂ) તે દેવતાનું નૈવેધ હોય તો પણ ન
પીવું.... અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ
બકરા આધિક જીવની હિંસા થતી હોય,તે દેવતાનું નૈવેધ ન ખાવું.... અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી, તેમણે હિંસાથી રહિત એવા વિષ્ણું સંબંધી યજ્ઞ કરવા.
આપણા
અંત:કરણમાં એક બાજુ સદ્દગુણો અને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. અહિંસા અને હિંસાની
સેના ઊભી છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ હોય
તેમ અહીં પણ સદ્દગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે –અભય. ભયભીત
વાતાવરણમાં સદ્દગુણ પણ દુર્ગણ બની બેસે છે. સત્ પ્રવૃતિ પણ દુબળી પડી જાય છે. સર્વ
સદ્દગુણોનો નાયક અભય છે. એ અહિંસાને કેળવવા માટેનું પહેલું પગલું છે. મનમાંથી ભયને
કાઢી નાખવાનો. જો અહિંસાને પુરેપુરી સિધ્ધ કરવી હોય તો પોતાના અંતરાત્માને શુધ્ધ
કરવો જોઇએ અને ઇશ્વરને સમર્પિત થવું જોઇએ. આ અભય-નિર્ભયતા આઇ શ્રી સોનલમા એ
આપી..... એટલે પધ્મ શ્રી કવિ દુલા ભાયા કાગ લખે છે કે.....
માડી! તે તો ખારા રે.... ખેતરડાંને.... ખે.....ડીઆં.....
માડી! એમાં લી-લી મોલાતુ લેર્યે જાય રે....... ભેળિયાળી! તારાં.....
ભા....મણાં
(હે જગદંબા! પાપ કર્મથી જેમના હદયરૂપી ખેતરો ખારા બની ગયેલા, જેમનામાં વહેમ, નિર્દયતા, અભિમાન, ભારાડી
પણાએ વાસ કરેલો, એમના જીવનમાં આપે અમી છાંટો નાખ્યો, એમને દારૂ, માંસ, પશુ-બલિદાન, ધુણવાં, દોરા-ધાગા, વળગાડ
વગેરેની બદીયોમાંથી છોડાવીને તેમના હદ્દયોમાં ભકિત, દયા, અહિંસા, ઉદ્દમ, પુરુષાર્થ, આતિથ્ય ધર્મની મોલાતો લહેરાતી કરી, એવા પરમ દયાળું
ભેળિઆધારી આપ જગદંબાના હું વારણા લઉ છું.)
માડી! તેં તો ..... ઠારી હત્યાની હોળી, તોળાણી સત્.....ત્રા......જવે.... રે..... જી......
(હે મા! આપે પશુ બલિદાનોના રૂપમાં થતી ભયંકર હોળી-આગ ઓલવી છે.)
નિર્ભયતાથી
પ્રગતિ થઇ શકે છે અને નમ્રતાથી બચાવ.
રાબીયા
સંતની વાત વખતોવખત આવે છે. સ્ત્રી સંત. રાબીયાના એક શિષ્યે રાબીયાને કહયું કે રાબીયા, હું સત્યનો દરવાજો કેટલાય
વર્ષોથી ઠોકુ છું, પણ દરવાજો ખૂલતો જ નથી. શું કામ ખૂલતો નથી?રાબીયાએ એમના શિષ્યને કહયું ‘Youmay go on knocking at
the door of reality for thousand years and yet the door will not open’( તુ હજારો વર્ષ સુધી દરવાજો ઠોકવાનો
પ્રયત્ન કરશે, તો પણ દરવાજો નહીં ખુલે.)For
the simple reason that the door has never been closed.(કારણ કે આ દરવાજો કોઇપણ દિવસ બંધ જ ન
હતો.) પણ આપણી ચેતના ખુલ્લા દરવાજાને બંધ દરવાજા તરીકે જુએ છે. કેમકે એ ચેતનામાં
સંવેદનશીલતા નથી. તેથી સત્યનું દર્શન થતું નથી. માત્ર દ્દશ્યનું જ દર્શન થાય છે.
તાત્પર્ય
એ છે કે સત્ય અને અહિંસાનો વિકાસ નિર્ભયતા અને નમ્રતા વડે થાય છે. જે માણસને ઇશ્વર
પ્રત્યે પૂરી શ્રધ્ધા ના હોય તે અહિંસાનું પૂર્ણ પાલન કરી શકે નહીં. ગાંધીજીનાં
સત્ય અને અહિંસાને જોડનારૂં જે કંઇ તત્વ હતુ તે એમની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા હતી
અને તેને લીધે જ તેઓ પોતાની આંતરિક શકિત મેળવતા હતા. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે
એકવાર કસ્તુરબાની માંદગીમાં દાકતરો માંસનો સેરવો(મટનસૂપ) નહિ લે તો જીવ બચશે નહિ
એમ કહયું. ગાંધીજીએ આ વાત બા ઉપર છોડી. બા એ ના પાડી. ગાંધીજીએ દબાણ કરવાની ના
પાડી. બાની ઇચ્છાનો આદર કર્યો.
ભૂતદયા,માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અદ્રોહ એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. પતંજલિએ સદીઓ પહેલા
કરેલાં ચિંતન, મનન અને ધ્યાનના આધારે અહિંસાની એક અદ્દભુત
વ્યાખ્યા આપી. “તત્ સંનિધ્યો:
વૈરત્યાગ:”- અહિંસાના સાનિધ્યમાં આવનારને કોઇ જાતની
વેરભાવના રહેતી નથી. તેઓ પોતાનું જાતિગત વૈર ત્યાગી દે છે. પરંતુ પતંજલિએ આ
વ્યાખ્યા યોગીની વ્યકિતગત ભૂમિકા તરીકે કલ્પી હતી. ગાંધીજીએ ભૂમિકાનું સ્તર બદલીને
સામાજીક કરી નાખ્યું. ગાંધીજી કહેતા કે માત્ર દેહને ઇજા એ જ હિંસા નથી. હિંસા
માનસિક,
સામાજિક કે રાજકીય પણ હોઇ શકે અને આવી હિંસા માટે શબ્દ વાપર્યો –Structural-Violence(માળખાકીય હિંસા)
તેમણે વારંવાર લખીને કે બોલીને એ વાત સમજાવી કે હિંસા એટલે માત્ર છતી આંખે દેખી શકાય
તેવી મારામારી કે કાપાકાપીની હિંસા નહિં. સમાજ વ્યવસ્થામાં રહેલી હિંસા પણ એટલી જ
ભયાનક અને એટલી જ ત્યાજય છે. ઊંચ-નીચ ભેદભાવ, આર્થિક શોષણ, કુટુંબમાં કે સમાજમાં કે બીજે સ્ત્રીઓનું, દલિતોનું
કે લઘુમતિઓનું થતું દમન એ પણ હિંસા છે.આ અહિંસા આજે આપણે જે જોઈએ છીએ તે જ નથી.
કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે.ઉતાવળ હિંસા છે.મિથ્યા ભાષણ
હિંસા છે.દ્વેષ હિંસા છે. કોઈનું બુરું ઇચ્છવું હિંસા છે.ચાડી કરવી હિંસા છે. અને
જગતને જોઈએ છે તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.
અહિંસાને
ગાંધીજી માનવીય ધર્મ માનતા. બિડીની પડેલી ખોટી ટેવ, દેવુ પુરૂ કરવા ભાઇનું કડું કપાવવું એ વાતની ભુલની
પિતા પાસે કબુલાત અને પિતાની આંખમાંથી અમૃત બિંદુ સરી પડવા,
ચિઠ્ઠી ફાડી નાખવી અને ચૂપચાપ પથારીમાં પડયા રહેવુ તે વખતે ગાંધીજીએ એ વાતનોઉંડો
અનુભવ કર્યો કે જો બે વ્યકિતઓ વચ્ચે પ્રેમનો સંબંધ હોય તો એકની વેદના કોઇ પણ
શબ્દના ઉચ્ચારણ વિના બીજાના હૈયા સોંસરવી પેસી જાય છે. સત્યાગ્રહમાં સ્વેચ્છાએ
કષ્ટ સહન કરવાનો વિચાર મૂળ આ અનુભૂતિમાંથી જન્મ્યો. અજુગતી આજ્ઞાનું પાલન શા માટે
કરવું જોઇએ?? એ વિચાર એમના કસ્તુરબા પ્રત્યેનો “ઘણીપણા”માંથી આવ્યો. આ વિષયમાં કસ્તુરબાની જે
પ્રતિક્રિયા હતી તે ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠ થઇ રહી. આમાંથી નીપજયો
સત્યાગ્રહમાં સવિનય કાયદાભંગનો સિધ્ધાંત અન્યાયનો અસ્વીકાર અને પ્રતિકાર....
બદલો લેવાથી ઉત્તરોત્તર હિંસા વધતી જાય
છે.તંત્રનો વિરોધ કરો વ્યક્તિનો નહી. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાને કહ્યું છે
કે અમને ગાંધીજીએ મોટામાં મોટી વાત જો શીખવી હોય તો અહિંસાની. પઠાણ જાતિ અંદરોઅંદર
ઝગડી એકબીજાને ખતમ કરતી હતી. ’એણે ગોળીએ દીધો હતો મારા બાપુને, એટલે હું ગમે તે
દિવસે એને ગોળીએ દઈશ.’ એમ પેઢી દર પેઢી હિંસા ચાલ્યા કરતી. એમાંથી પઠાણ લોકોને બચાવ્યા.
ખાનસાહેબે એ વાત માની કે આખી પઠાણ કોમને ગાંધીજીએ બચાવી લીધી. અહિંસા ના હોત તો
અમે એક બીજાને મારીને ખલાસ થઈ ગયા હોત. ગાંધીજી માણસ વ્યવહારના આધારે આગળ વધતા
હતા. કામ કરતા ગયા પણ સિદ્ધાંત લખ્યો નહી.તેઓ વિચારતા હતા કે એક અહિંસક દેશની ઉપર
કોઈ બીજા હિંસક દેશો આક્રમણ કરે તો આખી દુનિયાની સહાનુભૂતિએ અહિંસક દેશને મળે.
આપણે અહિંસાના એક વિશેષ ગુણનો વિચાર પણ
કરી લેવો જોઈએ. અહિંસા એ સક્રિય શક્તિ છે એ શક્તિને સમાજને બદલવામાં ઉપયોગી થઇ શકે
છે. હિંસા કદી વ્યાપક જનતાનું સાધન બની શકતી નથી. હિંસા વ્યાપક બંને તો તેનાથી આંતરવિગ્રહ
કે અંધાધુંધી જ ફેલાય.પ્રજા લાચાર, પાંગળી અને ગુલામ બની જાય છે.અહિંસા એવી શક્તિ
છે કે જેમ જેમ વ્યાપક બનતી જાય તેમ તેમ સમાજમાં વધુમાં વધુ ઉત્સાહ પ્રેરતી જાય છે.
તે લોકોની ક્રાંતિકારી શક્તિ બની શકે છે, સાહસ,હિંમત વધે છે;કર્તવ્ય-અકર્તવ્યનો
વિવેક આવડે છે;અભિમાન ઓછું થાય છે, નમ્રતા વધે છે, પરિગ્રહ ઓછો થાય છે; ને દેહની
અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે. અને એટલેજ તો ગાંધીજીના અહિંસક આંદોલનોમાં
સ્રી-પુરુષ,નાના-મોટા,ગરીબ-તવંગર,વૃદ્ધો,બીમારો અને બાળકો પણ પોતપોતાની રીતે ભળી
શકતા.આ આંદોલનો જો શસ્ત્રોને બળે ચાલતા હોત તો એમાં ભળનારાઓનો વ્યાપ આટલો મોટો કદી
ન થઇ શક્યો હોત. જાપાન પર પરમાણુ બોમ્બો ઝિંકાયા ત્યારે પત્રકારોએ અહિંસા પરના
વિશ્વાસ અંગે પૂછતાં ગાંધીજીએ જવાબમાં
જણાવ્યું કે અહિંસા વિષેની મારી શ્રદ્ધા વધી છે અને તેના સિવાય કોઈ વિકલ્પ રહેતો
નથી. અમેરિકન શાંતિવાદી નેતા, માર્ટિન લ્યુથર કિંગે (જુનિઅર) આના વિષે એક સાવ સાચી
અને માર્મિક ટીકા કરી હતી કે હવે દુનિયા પાસે માત્ર કાં અહિંસા, કાં આત્મનાશ
(Either Non-violence or Non-existence) બે જ વિકલ્પો રહ્યા છે.
કેરળમાં’સર્વ શિક્ષા અભિયાન’હેઠળ એક નવો જ
કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને રોજ માનવ માટે ઉપકારી
પ્રાણીઓ,તેઓ જે પર્યાવરણમાં વસે છે તેમના પ્રત્યે માનથી વર્તવાના પાઠ ભણાવશે અને
સમાજપયોગી પશુ-પક્ષીઓ પ્રત્યે ‘જીવદયા’ દાખવવા શીખવી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક
બનાવાશે.એમ કહેવાય છે કે, જ્યારે તમે બાળકને એક ઉંદર પ્રત્યે દયા દાખવવા કહો છો
ત્યારે તમે તમારા બાળકનું અને ઉંદર બંનેનું સરખું કલ્યાણ કરો છો, ઈચ્છો છો.
આજે જયારે સંહારક શસ્ત્રો આખી માનવજાતને
એક નહીં પણ અનેકવાર મારી શકે એવી અવસ્થામાં છે ત્યારે માનવજાતને ઊગરવાનો રસ્તો
અહિંસાનો જ હોઈ શકે એવી પ્રતીતિ કેટલાક લશ્કર વાળાઓ સહીત દુનિયાના અનેક ચિંતકોને
થઇ ચુકી છે.વિજ્ઞાનની શોધો આત્મઘાતી દિશા તરફ જનારી નહીં પણ આત્મોદ્ધારક અને આધ્યાત્મિક
અહિંસા તરફ વળવી જોઈએ એની ખાતરી કેટલાકને થાય છે.....,બીજાને ઠોકર ખાઈને થશે.....
વિશ્વધર્મના આ અભિજાત વિચારને અમલમાં મુકવામાં,
હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમઝૂદ કહે છે તે,બૌદ્ધધર્મીઓ
જેને બુધ્ધકહે છે તે, યહૂદીઓ જેને જિહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓજેને સ્વર્ગના
પિતા કહે છે તે, સહુ આપણને પુરતી શક્તિ આપો.
સતીષ શામળદાન ચારણ
(મો.)૯૪૨૮૨ ૧૯૦૩૧
Email:
sscharan_aaa@yahoo.co.in
No comments:
Post a Comment